કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/કવિ અને કવિતા: ચિનુ મોદી
આધુનિક, પ્રયોગશીલ કવિ ચિનુ મોદીનો જન્મ તા. ૩૦-૯-૧૯૩૯ના રોજ વિજાપુર (જિ. મહેસાણા)માં થયો હતો. પિતા ચંદુલાલ. માતા શશિકાંતાબહેન. વતન કડી. પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં, માધ્યમિક શિક્ષણ ધોળકા તથા અમદાવાદમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી, ઇતિહાસ વિષયો સાથે બી.એ., ૧૯૬૦માં એલએલ.બી., ૧૯૬૧માં ગુજરાતી, હિન્દી વિષયો સાથે એમ.એ. ૧૯૬૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી ‘ખંડકાવ્ય’ વિષય લઈને વિદ્યાવાચસ્પતિ (પીએચડી.). ૨૧-૬-૧૯૫૮ના રોજ હંસાબહેન સાથે લગ્ન. ૧૯૬૧-’૬૪ દરમિયાન કપડવંજ અને તલોદની કૉલેજોમાં અધ્યાપન. ૧૯૬૫-’૭૫ દરમિયાન સ્વામિનારાયણ આર્ટ્ સ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપન. ૧૯૭૫-’૭૭ દરમિયાન ઈસરો (ISRO), અમદાવાદમાં સ્ક્રિપ્ટરાઇટર. ૧૯૭૭થી ફ્રિલાન્સર. એપ્રિલ, ૧૯૯૪થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતી વિભાગમાં રીડર. ‘રે’, ‘કૃતિ’, ‘ઉન્મૂલન’, ‘હૉટલ પૉએટ્સ’ સાથે સંકળાયેલા. નરસિંહ મહેતા ઍવૉર્ડ (૨૦૦૮) તથા સાહિત્ય અકાદેમી, દિલ્હીના પુરસ્કાર (૨૦૧૩)થી સન્માનિત. ‘વાતાયન’ (૧૯૬૩), ‘ક્ષણોના મહેલમાં’ (૧૯૭૨), ‘ઊર્ણનાભ’ (૧૯૭૪), ‘દર્પણની ગલીમાં’ (૧૯૭૫), ‘શાપિત વનમાં’ (૧૯૭૬), ‘દેશવટો’ (૧૯૭૮), ‘ઇર્શાદગઢ’ (૧૯૭૯), ‘બાહુક’ (૧૯૮૨), ‘અફવા’ (૧૯૯૧), ‘ઇનાયત’ (૧૯૯૬), ‘વિ-નાયક’ (૧૯૯૬), ‘એ’ (૧૯૯૯), ‘સૈયર’ (૨૦૦૦), ‘નકશાનાં નગર’ (૨૦૦૧), ‘શ્વેત સમુદ્રો’ (૨૦૦૧), ‘કાલાખ્યાન’ (૨૦૦૨), ‘હથેળી’ (૨૦૦૪), ‘આઘાપાછા શ્વાસ’ (૨૦૦૭), ‘ખારાં ઝરણ’ (૨૦૧૦), ‘ગતિભાસ’ (૨૦૧૨), ‘કસબો’ (૨૦૧૪) જેવા કાવ્યસંગ્રહો તેમની પાસેથી મળ્યા છે. તા. ૧૯-૦૩-૨૦૧૭ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું.
ચિનુ મોદીને ગદ્ય તથા લયની લીલા એમનાં નાની ‘જીજીબા’ તથા પિતાજી પાસેથી ગળથૂથીમાંથી મળેલાં. અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાં એમને સારા શિક્ષકો મળ્યા ‘કુમાર’ કાર્યાલયમાં બચુભાઈ રાવત દ્વારા ચાલતી ‘બુધસભા’ મળતાં તો જાણે લૉટરી લાગી. ત્યાં એમને હસમુખ પાઠક, પ્રિયકાન્ત મણિયાર, પિનાકિન ઠાકોર, નલિન રાવળ, લાભશંકર ઠાકર, મનહર મોદી, રતિલાલ જોગી જેવા કવિઓનો પરિચય થયો. ‘બુધસભા’માં તેમના કવિકાન કેળવાયા. છંદોલય તથા કાવ્યકસબ આત્મસાત્ થયા. સર્જનના પ્રારંભના દાયકામાં આમ પરંપરાગત કાવ્યાનુભૂતિઓનો સાક્ષાત્કાર થયો. તો, ‘રે મઠ’માં આધુનિકતા તેમજ પ્રયોગોને તો જાણે પિયાલી ભરી ભરીને પીધાં. પરંપરા પચાવેલી અને છંદો પાકા કરેલા એનો લાભ એમનાં અ-છાંદસ તથા પ્રયોગાત્મક કાવ્યોનેય મળતો રહ્યો. આજીવન તેઓ જાણે હરતી-ફરતી-જીવતી-જાગતી કાવ્યશાળા બની રહ્યા. અનેક નવોદિતોને એમણે કવિતાનું શિક્ષણ આપ્યું. ‘હૉટલ પૉએટ્સ’ તથા ‘શનિસભા’ થકી ઘણા નવોદિત કવિઓનું ઘડતર થયું.
ચિનુ મોદી કહેતાં જ ‘ઇર્શાદ’ અને ‘ઇર્શાદ’ કહેતાં જ ગઝલના બાદશા’. તરત યાદ આવે – ‘પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ‘ઇર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.’ આ કવિ થાકવા છતાં ક્યારેય અટક્યા નથી, સતત તલવાર તાણતા રહ્યા છે – ‘ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે, થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.’ આ ગઝલકારની ખુમારી અને મિજાજ તો જુઓ – ‘ઠાઠ ભભકા એ જ છે ‘ઇર્શાદ’ના ઘર બળે તો તાપી જવું જોઈએ.’ શક્યતાની ચાલચલગત શું બતાવું ? – કહેનાર આ ગઝલના બાદશા’ શ્વાસની લગામો ખેંચી શકે છે, લાગણીના સિક્કા પડાવી શકે છે. તારકોની રમ્ય-ગહન ભાષા ઉકેલવા મથતા આ કવિ આંસુ દઈને નદીને ભરચક કરી શકે છે. ઝેર પણ ચાખી જોનારા આ કવિની સમજણ કેવી સૂક્ષ્મ છે – ‘કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો, એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.’ ઝેર ચાખનાર, ક્ષણોમાં જીવનાર, આગવો મિજાજ ધરાવનાર આ કવિને ડર શાનો છે ? તો કે’ – ‘હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને - કોક દરવાજો કરી દે બંધ તો ?’ આ કવિ ‘તૂટતા સંબંધ વચ્ચે’ જીવ્યા છે, ખુમારીથી જીવ્યા છે, દર વખતે પટકાઈને બેઠા થયા છે. આકાશમાં કે ધરતીમાં મૂળિયાં નહિ રોપાઈ શકવાની વેદના, વાયુ પેઠે ભટક્યા જ કરવાની પીડા એમનાં અનેક કાવ્યોમાં પ્રગટ થાય છે – આ કવિની ભીતર સતત ઘૂમરાતી, ઘૂંટાતી વેદના કેવી છે ને કેવી રીતે પ્રગટે છે! – ‘નથી ઊર્ધ્વમાં કે ધરામાં નથી, નથી ક્યાંય મૂળ ને ખસાતું નથી.’
‘હલેસાં લગાવે નિરંતર અને, તસુભર મને એ સરકવા ન દે.’
‘આપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે, પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે.’
‘છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું ? જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે.’ આ કવિની રેન્જ ઘણી મોટી છે. કવિની કસોટી ઊર્મિકાવ્યોમાં નહિ, દીર્ઘ-કાવ્યોમાં થાય છે. આ કવિ પાસેથી ‘બાહુક’ તથા ‘વિ-નાયક’ જેવાં સફળ દીર્ઘકાવ્યો પણ સાંપડ્યાં છે. એમની પાસેથી ક્યારેક શૅમ્પેઇનની છોળ જેવાં, ક્યારેક મોગરાની સુગંધ જેવા, ક્યારેક વહેતાં ઝરણાં જેવાં તો ક્યારેક અવાવરુ વાવનાં જળ જેવાં, ક્યારેક કૂવાનાં પાણી જેવાં તો ક્યારેક સમંદરનાં મોજાં જેવાં કાવ્યો મળ્યાં છે. ગઝલ, ગીત, સૉનેટ, અ-છાંદસ, વગેરે કાવ્ય-સ્વરૂપોમાં એમણે સફળતાપૂર્વક ખેડાણ કર્યું છે. ‘પિતાની પ્રથમ મૃત્યુ-તિથિએ’નો ઉઘાડ જુઓ – ‘તમે મારાથી કાં દૂર દૂર થતા જાવ ? તમને ધકેલે ધીમેથી સમય..’ અને આ કાવ્ય કઈ પંક્તિ સાથે વિરમે છે ? – ‘તમારાથી હુંયે દૂર દૂર થતો જાઉં, હળવે મનેયે દે ધક્કો સમય...’ સમયના ધક્કાની સાથે શિખરિણી છંદ થકીયે ‘ધક્કો’ દેવામાં કવિ સફળ થયા છે, તો ઉઘાડની બીજી પંક્તિ અધવચ અટકાવી દઈને કવિ છંદની સાથે મૌનને, પીડાને વહાવવામાં પણ સફળ થયા છે. (મુ. બચુભાઈ રાવતે અમથું નહોતું કહ્યું કે લાભશંકર અને ચિનુએ છંદ છોડવા જોઈતા નહોતા.) ‘સર્જકની આંતરકથા’માં ‘કંદોઈ ઓળમાં કીડી પેઠી’ શીર્ષકથી ચિનુ મોદીએ અનોખી રીતે કૅફિયત રજૂ કરી છે – પોતાને કવિ કઈ રીતે નીરખે છે – શરૂમાં લૉંગ શૉટ્સથી, પછી મીડ શૉટ્સથી અને છેલ્લે ક્લોઝ-અપ્સથી! કવિતામાં ક્યારેક subjective બની જતા આ કવિ કૅફિયત રજૂ કરતાં objectively જાતને અને સમયને નીરખે છે. આ કૅફિયતનું છેલ્લું દૃશ્ય જોઈએ – ‘ક્લોઝ-અપ : બાયફોકલ ગ્લાસ પહેરેલો એક ચહેરો – મારો ચહેરો. મિડ શૉટ : અશ્વ. અશ્વારૂઢ થતો હું. લગામ વગરના આ અશ્વને હું એડી મારું છું. આગળના બે પગ ઊંચા કરી, તીવ્ર હેષા સાથે અશ્વ ગતિશીલ બને છે. હું અશ્વની કેશવાળી ઝાલી લઈ, અશ્વની કોટે વળગી જાઉં છું. અશ્વ ભયાનક વેગમાં દોડવા માંડે છે. આ ગામ, પેલે ગામ. હું જીવ બચાવવા અશ્વને વળગી રહેલો છું. ઑડિયો : ‘વાહ, ક્યા બાત હૈ’ ટોળું. ‘પહેલું ઇનામ આપો’ ચાર ચુસ્ત ચહેરા. ‘વાર્તા ચંદ્રક દો’ એક ચશ્મેરી ચહેરો. ‘વાહ, વાહ, બહોત ખૂબ. બહોત અચ્છે. ખૂબ સરસ લખો છો.’ ટોળાના અવાજ. લૉંગ શૉટ : અશ્વારૂઢ હું પરસેવે રેબઝેબ છું. ઑડિયો : ‘શાબાશ’ – ટોળું. ક્લોઝ-અપ : હું બબડું છું. કોઈ સાંભળતું નથી.’ ‘સમયસર નિખાલસ થવાતું નથી’ – કહેનાર આ કવિની નિખાલસતા તથા ભીતરની સચ્ચાઈ નોંધપાત્ર છે. કારણ, આ કવિને ‘સ્હેજ અંદર ઊઘડનારી બારી’ મળી છે. આથી જ તેઓ ક્ષણ ક્ષણના દોષો કબૂલે છે. – ‘આપણો વ્હેવાર જૂઠો, આપણી સમજણ ગલત લાગણીમય તોય છે તારી રમત, મારી રમત.’
‘વાંઝિયા આ શબ્દના વસ્તારના ભારે ઋણી, ઠીક સચવાઈ ગયું તારું અસત, મારું અસત.’ આ કવિ ‘શાખ વગરનાં વૃક્ષો વચ્ચે, વણનોંધાયા વાયુ પેઠે’ ‘શાપિત વન’માં ઘૂમ્યા છે; આ કવિ આંસુ તથા ઓસનું બંધારણ પણ જાણે છે; આ કવિને પાણીની પૂરી પરખ છે ને ઝાંઝવાં તરવાં પડે છે. આ કવિ કાળની લંબાતી મોં-ફાડમાં પ્હાડોને તરતા જુએ છે. આ કવિ દ્વારા લેવાતા શ્વાસથી ઘાસ હિલ્લોળાય છે. ફૂલો જો અકળાતાં ન હોય તો આ કવિ આંધળો વાયુ થઈ ભટક્યા કરવા ઝંખે છે. ‘પર્વતને નામે પથ્થર’, ‘કારણ’, ‘તો?’, ‘મન વગર’, ‘ઝેર જાણી ચાખી જોવું જોઈએ’, ‘લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો’, ‘આપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે’, ‘શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’ જેવી ગઝલો; વિડંબનાસભર ‘ઓચ્છવલાલ’, બાળવાર્તાના લયમાં ‘કુહાડી’, ‘કિવંદતીના પાળિયા’, ‘લોહનગર’, ‘શાપિત વન’ જેવાં કાવ્યો; ‘કેમ છો ?’, ‘વ્હાલા, તું હો’, ’હું ને ઓચ્છવ’ જેવાં ગીતો; ‘પિતાની પ્રથમ મૃત્યુતિથિએ’, ‘તળેટી’, ‘પજવણી’, ‘નખી તળાવ પર પરોઢે’, ‘અજાણ્યા આ શહેરે’ જેવાં સૉનેટ/છાંદસકાવ્યો પણ આ કવિ પાસેથી સાંપડ્યાં છે. આ બિન્દાસ કવિને પીંછાં ખંખેરતાંય આવડે છે – ‘ભાર પીંછાંનો વધ્યો જો હોય તો ખંખેર ને, આપણી મિલકતમાં ટહુકો એક હોવો જોઈએ.’ આ કવિની મિલકતમાં એકાદ ટહુો નહિ, ટહુકાનાં વન છે, વનોનાં વનો છે, પણ સાથે ‘માળો’ નથી, ‘વિસામો’ નથી, ‘ઘર’ નથી-ની પીડાય ભારોભાર છે. જોકે, વનમાં કે વૃક્ષમાં જ નહિ; આકાશમાંય એમની માળાની શોધ ચાલુ રહી છે – ‘નભમાં ક્યાં એક્કેય માળો ? પંખીનું શું ભવિષ્ય ભાખું ?
‘પંખીઓ હવામાં છે, એકદમ મઝામાં છે.’
પંખીઓ ‘માળા’માં નથી ‘હવા’માં છે, ને તોય ‘મઝામાં’ છે! એજ રીતે આ કવિ પણ હંમેશાં ‘મઝામાં’ રહ્યા છે, ભારોભાર પીડા ભીતર ધરબીને! આ કવિ જ્યારે મળે ત્યારે ‘કેમ છો ?’ – નો હંમેશાં જવાબ હોય – ‘જલસા!’ આ કવિ એમના જીવતરનો હિસાબ પણ આમ આપે છે –‘શું કર્યું ? જલસા કર્યા, ગઝલો લખી,
આપણો આ આખરી અવતાર, હોં.’
તા. ૫-૫-૨૦૨૨ — યોગેશ જોષી
અમદાવાદ