કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૫.આપણા સંબંધના ઇતિહાસનો...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૫.આપણા સંબંધના ઇતિહાસનો...

ચિનુ મોદી

આપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે,
પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે.

આ વખત પણ પીઠ પર બેસી ગયો પાછો પવન,
આપણો તો આ વખત પણ વ્હાણનો અવતાર છે.

છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું ?
જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે.

પાણીની પૂરી પરખ ને ઝાંઝવાં તરવાં પડે;
કેમ સમજાવું તને, કે, વ્હાણ છે, લાચાર છે.

ડૂબતા ‘ઇર્શાદ’ની ચારે તરફ આજેય તે,
એક શું, પાણી ભરેલાં વ્હાણ, અપરંપાર છે.
(ઇર્શાદગઢ, પૃ.૩૬)