કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૨.કળી જેમ...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૨.કળી જેમ...

ચિનુ મોદી

કળી જેમ ઊઘડી શકાતું નથી,
સમયસર નિખાલસ થવાતું નથી.

હશે આયનાની તરસ કેટલી ?
વિજન થાય ઘર એ ખમાતું નથી.

અલગ છે દરજ્જો, અલગ સ્થાન છે.
પવન જેમ ઘરઘર ફરાતું નથી.

નથી ઊર્ધ્વમાં કે ધરામાં નથી,
નથી ક્યાંય મૂળ ને ખસાતું નથી.

ન કાપો, ન છેદો, તપાવો મને,
બરફ છું છતાં પિગળાતું નથી.

દિશાહીન મનની દશા શી થઈ ?
હવે હોય એ પણ જણાતું નથી.
(અફવા, પૃ.૯૩)