કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૮.વાયુથી ક્યારેય એ ડરતું નથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૮.વાયુથી ક્યારેય એ ડરતું નથી

ચિનુ મોદી

વાયુથી ક્યારેય એ ડરતું નથી,
વ્હાણ શઢની જેમ થરથરતું નથી.

છેક તળિયે ડૂબકીનો અર્થ શો ?
જળ કદીયે બિંબ સંઘરતું નથી.

યમનિયમમાં જડ અને જિદ્દી મરણ,
એક ક્ષણ પણ ઝાઝી વાપરતું નથી.

તૂટવું પડશે હવે દીવાલને,
જીવતું ઘર આમ કરગરતું નથી.

નષ્ટ બનતાં વાદળોનાં નીડ પણ,
આભ છે કે નીચે ઊતરતું નથી.

આંસુઓ ચ્હેરા બને એવા દિવસ,
કાળનું આ તંત્ર શું કરતું નથી ?

ક્યાં ફૂલો પધરાવશો ‘ઇર્શાદ’નાં ?
ઝાંઝવામાં કાંઈ પણ તરતું નથી.
(ઇનાયત, પૃ. ૩૨)