કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૭. વાર્ધક્ય વિશે ચાર રચનાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૭. વાર્ધક્ય વિશે ચાર રચનાઓ

જયન્ત પાઠક



બાગમાં વહેલી સવારે
વૃદ્ધ લટાર મારે
સૂર્યતેજમાં ફૂલના ચહેરા ચમકે
ક્યારે ક્યારે —
વાગોળે વૃદ્ધ સતત
મૌનમાં ગળેલો વિગત.
ક્યારેક
બોખા મોંમાંથી સરી પડે
શબ્દ બેચાર, જેમાં
શતશત અબ્દનો ભાર!



જર્જર દેહ
વૃદ્ધ બાંકડે પડ્યો
— બદ્ધ, લાકડે જડ્યો —
એક બાંકડો
ઉલટાવી ઉપર મૂકે તો
બરાબર ચેહ!
અગ્નિ?!
એ તો જીવનભરનો ભીતર સંઘર્યો
એક ફૂંક
કે દેહ રાખનો નર્યો!



વૃદ્ધ મરણોન્મુખ
વહે છે આંખોમાં
એક પરિચિત નદી
હાંફે છે છાતીમાં
એક દબાયેલો ડુંગરો
ઝૂલે છે પાંપણમાં
એક ઘનઘોર વગડો
ટોળે વળી છે હથેળીમાં
પ્રીતિની ખુલ્લી સ્પર્શરેખાઓ
વૃદ્ધ-જીવનોન્મુખ!



એક પગ કબરમાં
બીજો હરેફરે બેખબરમાં
શ્વાસનો હરક્ષણ વધતો ભાર
વિચારતાંયે થાકી
પડ્યો વૃદ્ધ, ને
પડ્યો પડ્યો જ
ગયો નીકળી ઠેઠ જીવનની બહાર!

૨૫-૧૦-’૮૨

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૫૦-૩૫૧)