કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૧. થોડાંક ગ્રીષ્મચિત્રો
Jump to navigation
Jump to search
૪૧. થોડાંક ગ્રીષ્મચિત્રો
જયન્ત પાઠક
૧. પહાડ
આ વૃક્ષો વગરનો પહાડ
કાઢી પાતળી ઝરણાની જીભને બ્હાર
ઊભો — ગ્રીષ્મને મધ્યાહ્ન
છાયા વિનાની શેરીમાં ના હોય જાણે
હાંફતો કો શ્વાન!
૨. તડકો
ખર સમો આ પ્રખર તડકો ગ્રીષ્મનો
નીચી નમાવી ડોક
સુક્કા ઘાસમૂળને
જેમ તેમ ઉખાડીને આરોગતો
આળોટતો, ચત્તો પડી જોયા કરે
જાતે ઉડાડી ધૂળને!
૩. સૂર્ય
સૂર્ય ગ્રીષ્મસવારનો
લાલ જ્વાળા શો ચમકતો અશ્વ
કેશવાળીમાં પરોવી શ્વેત મણકા સ્વેદના
પ્હાડ પરથી ઊતરે...
૪. ખાખરા
કાળા પથ્થરોનો પ્હાડ
ઉપર લાલચટ્ટાક ખાખરા ખીલ્યા —
સિંહનખના ઠેર ઠેર પ્રહાર
કેટલા આ લોહીઝરતા હાથીના દેહે ઝીલ્યા!
૫. નદી
રેતના બે દીર્ઘ પટને ચીરતો
પાતળો આ ગ્રીષ્મસરિતાનો પ્રવાહ —
સૂર્યમાં ચળકી રહી શી
સોંસરી નીકળી જતી તલવાર પાણીદાર, વાહ!
૫-૬-૧૯૮૬
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૮૦-૩૮૧)