કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૬. નથી જોઈતું —

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૬. નથી જોઈતું —

જયન્ત પાઠક

નથી જોઈતું આભ, માત્ર બે પાંખ મળે, બે ટૌકા
નહીં સાગરનો લાભ, મળે બસ એક નાલી નૌકા.

મારે ક્યાં અનહદ આકાશે ભળવું છે?
મારે ક્યાં ગેબી ગહનોમાં ગળવું છે?
ઊડવું છે, ટહુકા કરવા છે, પળ બે પળ રમવું છે
લ્હેરોમાં લીટા કરવા છે, વમળોમાં ભમવું છે.
નથી જોઈતો સૂરજ, થોડો તડકો, થોડું તેજ
નથી જોઈતી પૃથ્વી, થોડી માટી, થોડો હેજ
મારે ક્યાં ઊગવું કે આથમવું છે?
ફેરફૂંદડી રાતદિવસ ફરવું છે?
જરાક ઉષ્મા, જરા જોઈએ જોવાને અજવાળું
જરાક ગમતો ગંધ, હૃદય બે ભીની ધડકનવાળું!

૨૫-૨-૧૯૯૦

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૨૭)