કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૧૩. આષાઢી સાંજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૩. આષાઢી સાંજ

ઝવેરચંદ મેઘાણી

[‘અંધારી રાતના ડુંગર ડોલે’ — એ કવિ ન્હાનાલાલના રાસ પરથી સૂચિત ઢાળ]
આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે, મેઘાડંબર ગાજે! – આષાઢીo

માતેલા મોરલાના ટૌકા બોલે
ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે. – આષાઢીo

ગરવા ગોવાળિયાના પાવા વાગે
પાવા વાગે, સૂતી ગોપી જાગે. – આષાઢીo

વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે. – આષાઢીo

ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,
ચૂંદડ ભીંજે, ખોળે બેટો રીઝે. – આષાઢીo

આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે મેઘાડંબર ગાજે!

૧૯૨૯
(સોના-નાવડી, પૃ. ૧૯૩)