કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૨૬. કવિ, તને કેમ ગમે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૬. કવિ, તને કેમ ગમે?

ઝવેરચંદ મેઘાણી

ધરતીને પટે પગલે પગલે
મૂઠી ધાન વિના નાનાં બાળ મરે,
પ્રભુહીન આકાશેથી આગ ઝરે:
અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે –
ત્યારે હાય રે હાય, કવિ! તને પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે!

લથડી લથડી ડગલાં ભરતી,
લાખો નાર ગલીગલીએ ફરતી
સારી રાત ભૂખે મજૂરી કરતી:
‘મારાં બાળ પરોઢિયે જાગીને માગશે ભાત’ વિચારી એ દેહ દમે –
ત્યારે હાય રે હાય, કવિ! તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે!

મન! છોડ નિહાળવા તારલિયા,
કાળાં કેદખાનાં કેરા જો સળિયા –
એનાં ક્રંદન શું નથી સાંભળિયાં?
એની ભીતર મૌન એકાકી રિબાઈ રિબાઈ હજારોના પ્રાણ શમે –
ત્યારે હાય રે હાય, કવિ! તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે!

મહારોગ ને મૃત્યુના સાગરમાં
લાખો ચીસ-નિ:શ્વાસભર્યા જગમાં,
સિતમે સળગંત ધરા-તલમાં:
રસ-સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સુનેરી ભૂખ્યાં જનને –
ત્યારે હાય રે હાય, કવિ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે!

દિનરાત જેઓની નસેનસમાં
પડે ઘોષ ભયંકર યંત્ર તણા,
પીએ ઝેરી હવા જે દમેદમમાં,
એને શાયર શું! કવિતા શું! ફૂલો અને તારલિયામાં એ કેમ રમે!
ત્યારે હાય રે હાય, કવિ! તુંને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે!

સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે,
ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે,
પૂરી રોટી પ્રતિજનને જડશે:
કવિ! તે દિન નીલ આકાશ તારા કેરી સુંદરતા સહુ સાર્થ બને,
તારાં કૂજન આજ જલાવી દે, પ્રાણ! રે દંભ ગાવા તને કેમ ગમે!

૧૯૨૯
‘કાલ જાગે’ વાંચીને શ્રી બચુભાઈ રાવતે મોકલેલા ‘બૉમ્બે ક્રૉનિકલ’ના તાજા અંકમાં આવેલા શ્રી હરીન્દ્ર ચટ્ટોપાધ્યાયે રચેલા ‘બિહાઇન્ડ ધ માસ્ક’ નામક કાવ્ય પરથી.
(સોના-નાવડી, પૃ. ૧૦૯)