કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૨૯. બીડીઓ વાળનારીનું ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૯. બીડીઓ વાળનારીનું ગીત

ઝવેરચંદ મેઘાણી

[ઢાળ: બંગાળી બાઉલ ગાનનો]
બીડીઓ વાળો! બીડીઓ વાળો! બીડીઓ વાળો...રે!
નિરાધાર, બીડીઓ વાળો...રે!

બાર પૈસાની પાંચસો લેખે બીડીઓ વાળો...રે!
કંથ કોડીલા ડેલીએ બેઠા,
વાડીઓ વેચી બાંધતા રેટા,
લાલ કસુંબે લેટંલેટાં: પાડતા લાળો...રે!
આવશે ખાવા, માગશે થાળી, કાઢશે ગાળો...રે!
નિરાધાર, બીડીઓ વાળો...રે!

ભૂખ લાગી છે – બીડીઓ વાળો!
ઊંઘ આવે છે – બીડીઓ વાળો!
આંખમાં લાગી અગન-ઝાળો: બીડીઓ વાળો...રે!
પાછલી રાતે, પો’ર દી થાતે, બીડીઓ વાળો...રે!
નિરાધાર, બીડીઓ વાળો...રે!

મેલવાં વા’લાં બાળક રોતાં,
તાવ આવે તો મૂકવાં પોતાં,
નાકનાં પાણી લ્હોતાં લ્હોતાં બીડીઓ વાળો...રે!
કંથને જોશે પાન-સોપારી: બીડીઓ વાળો...રે!
નિરાધાર, બીડીઓ વાળો...રે!

મીઠાં મીઠાં ઝોલાં આવે,
પાંદડાં જડદો ગાવડી ચાવે,
વાણિયો કાંટોકાંટ તોળાવે: બીડીઓ વાળો...રે!
ઓછું થાતાં, દામ કપાતાં: બીડીઓ વાળો...રે!
નિરાધાર, બીડીઓ વાળો...રે!

રાજનું છોરુ, રાજની જોરુ,
કેમ કરી હું ઓઝલ ખોલું?
ઓરડો ઓઢી અંગ સંતાડું, બીડીઓ વાળો...રે!
સાડલે લીરા, કાળજે ચીરા, બીડીઓ વાળો...રે!
નિરાધાર, બીડીઓ વાળો...રે!

આજ અજવાળી રાત રૂમઝૂમતી,
કંકુડી કોળણ રાસડે રમતી,
હુંય જાગું છું બીડીઓ વણતી: બીડીઓ વાળો...રે!
અન્ન વસ્તર ને આબરૂ સાટુ બીડીઓ વાળો...રે!
નિરાધાર, બીડીઓ વાળો...રે!

પાંદડાં કાપું – આવતી નીંદર,
આંગળી વાઢે ઊંઘમાં કાતર,
ટેરવાં તૂટે વીંટતાં સૂતર: બીડીઓ વાળો...રે!
હાંફતી છાતી, ખાંસીઓ ખાતી, બીડીઓ વાળો....રે!
નિરાધાર, બીડીઓ વાળો...રે!

શેઠિયો સૂતરફેણી લાવે,
પાનનાં બીડાં પાતર ચાવે,
લોહીના બળખા મારે આવે: બીડીઓ વાળો....રે!
છાતીએ ચાંપી શેકના ગોટા, બીડીઓ વાળો....રે!
નિરાધાર, બીડીઓ વાળો...રે!

આજ દુનિયાને હાટડે દેખો,
મોંઘા ગાંજા, ભાંગ ને સૂકો;
સોંઘો સ્ત્રીના દેહનો ભૂકો: બીડીઓ વાળો...રે!
જીવતાં જનનાં શોણિત સોંઘાં: બીડીઓ વાળો....રે!
બીડીઓ વાળો! બીડીઓ વાળો! બીડીઓ વાળો....રે!
બાર પૈસાની પાંચસો લેખે બીડીઓ વાળો...રે!

૧૯૩૧

જેની કબ્ર ઉપર લખ્યું છે ‘ધ પોએટ ઑફ ધ સૉન્ગ ઑફ ધ શર્ટ’ એ અંગ્રેજ કવિ ટૉમસ હૂડનું મશહૂર ‘સૉન્ગ ઑફ ધ શર્ટ’ ઘણા સમયથી મનમાં ગુંજતું હતું. એટલે મૂળ પ્રેરણા એ ગીતની. તે સિવાય આને ને એને કશી નિસ્બત નથી.
(સોના-નાવડી, પૃ. ૧૧૪-૧૧૫)