કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૫૦. દીઠી સાંતાલની નારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫૦. દીઠી સાંતાલની નારી

ઝવેરચંદ મેઘાણી

દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.
શીમુળના ઝાડ હેઠ જાતી ને આવતી દીઠી સાંતાલની નારી.

માથે માંડેલ છે માટીની સૂંડલી,
ઘાટીલા હાથમાં થોડી થોડી બંગડી,
પાતળિયા દેહ પરે વીંટેલી ચૂંદડી:
કાયાની કાંબડી કાળી.
કેસૂડા રંગના ભડકા લે’રાવતી લાલ લાલ કોરની સાડી;
શીમુળના ઝાડ હેઠ સબકારે ચાલતી દીઠી સાંતાલની નારી.

દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.
આષાઢી મેઘ અને થોડી-શી વીજળી
લૈને બેઠેલ હશે બ્રહ્મા:
ભૂલકણા દેવ, તમે પંખીડું વીસરી
ઘડી કેમ માનવની કન્યા!
પાંખોની જોડ એના હૈયામાં સંઘરી, સરજી સાંતાલની નારી.
ઊડું ઊડું હીંડતી હલકે વિદ્યાધરી: દીઠી સાંતાલની નારી.
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.

દખણાદા વાયરાની કો’ક કો’ક લેરખી
વહી જાતી શીતને ધખાવે;
સૂકેલાં પાંદ અને ધૂળ તણી આંધીઓ
મરુતોની મૉજને ચગાવે.
શાળાનો ઘંટ થાય, દૂર દૂર વહી જાય પાવા બજાવતી ગાડી:
એવા પરભાતને પૉ’રે મેં એક દી દીઠી સાંતાલની નારી.
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.

પેલું બંધાય મારું માટીનું ખોરડું
શીતળ નાજુક ને સુંવાળું;
મૉલને ઝરૂખે હું બેસીને કોડભર્યો
મજૂરોની મેદિની નિહાળું.
કડિયાની હાક પડે, હડીઓ ત્યાં કાઢતી દીઠી સાંતાલની નારી;
ધગધગતી માટીની સૂંડલીઓ સારતી દીઠી સાંતાલની નારી.
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.
પો’ર ને બપોર એની બળબળતી દેહના
કરતી’તી રોજ રોજ છૂંદા;
કવિની કુટિર તણાં ભીંતડાંને કારણે
ખેંચે એ ધૂળ તણા લૂંદા!

લાજી લાજીને મારાં લોચન બિડાય છે: દીઠી સાંતાલની નારી;
ધિક્કારે આત્માના દીપક ઝંખાય છે: દીઠી સાંતાલની નારી.
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.

પ્રિયજનની સેવાને કારણિયે સરજેલી
નારીની પુણ્યવતી કાયા:
એ રે કાયાનાં આજ દુનિયાના ચૉકમાં
સોંઘેરાં હાટડાં મંડાયાં.
ચાર-આઠ ત્રાંબિયાની રોજી આપીને મેં લૂંટી સાંતાલની નારી;
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.

કાયાની કાંબડી=દેહની કાઠી. સબકારે=સબ! સબ! ઝબક! ઝબક! કરતી. વિદ્યાધરી=દેવલોકની એક જાતિ. ધખાવે=ખીજવે. લૂંદા=લોંદા. ત્રાંબિયા=પૈસા.
૧૯૩૫.
રવીન્દ્રનાથનું [બંગાળી] કાવ્ય [઼‘સાઁઓતાલ મેયે’] તો જોયું નથી. પણ તેના અંગ્રેજી ભાષાન્તર પરથી ઉતારેલું.
(સોના-નાવડી, પૃ. ૧૪૦-૧૪૧)