કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૧. નારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૧. નારી

નલિન રાવળ

પીઠ પર ઢળતી સાંજનો સૂરજ,
પંખીઓના મધુર કલરવ સમી નાસિકાનો નમણો મરોડ,
લિસ્સી માછલીઓના તરવરાટથી ચમકતી જળસપાટી સમી
લાંકભરી કટિનો રમણીય પ્રાંત,
કાન સુધી ફેલાયેલી
ઉષ્માભર્યા વાતાવરણના સ્નેહવ્યાપ્ત ધબકારને ઝીલતી
બે આંખ કે પતંગિયાં.
કાળો ચમકતો ધોધ,
રાત્રિમાં પ્રેમાર્દ્ર પ્રણયીજનોના હૃદયભાવ જેવો
લળતો વૃક્ષનો સમૂહ,
દૂર પ્હાડમાં અનવરત પડતા વરસાદ જેવો અવાજ,
અજાણ્યાં જંગલોમાં થઈ
અંધકારના વિવિધ પટાઓને ભેદી
પથરાયેલી ચાંદનીમાં આળોટતા ટેકરીઓના
સ્નિગ્ધ પડછાયા પર થઈ
દૃષ્ટિપાર થઈ જતા
અનંતમાં મળી જતા
અસંખ્ય પથોના અવયવોથી બનેલો આભપ્હોળો પથ—
આ બધું

દીર્ઘ,
ચળકતા લચકમાં નમતા,
કહીં કાળા સમુદ્રના જલફીણની જેમ વેરાઈ જથ્થામાં—
પર્ણોમાં પથરાયેલા વાયુના બાહુપાશમાં બંધાયેલા
સુંવાળા અંધકાર જેવા ઘન જથ્થામાં બંધાતાં
ફરી
ધસમસંત નદી જેવી ગોરી ગ્રીવા પર થઈ
આરસના પ્હાડ જેવા ખભા પર થઈ
પીઠ પર ઢોળાઈ જતા પ્રલંબ કેશમાં જોયું.

પીઠ પર ઢળતી સાંજનો સૂરજ
જાણે કેસરનાં ખેતરોને આશ્લેષમાં લેતો હોય એમ
એ તડકો તડકો થઈ ગયેલી પીઠને આશ્લેષમાં
લઈ ઢળ્યો હતો.
એ પીઠને અડી કમલપત્ર જેવા નિતંબો
હલતા હતા આંખમાં,

એક જણની આંખમાં
કમલપત્ર જેવા પહોળા બે મસૃણ નિતંબો ઝૂલતા હતા
દિગંત સુધી વિસ્તરેલાં દ્રાક્ષનાં ખેતરોથી ભરેલા પ્રદેશમાં
ફરતા
માદક અંધકારની આંખમાં
ઘૂમતી ઘૂંટેલી ચમક જેવા ચમકારથી
તરબતર ચમકતા સુપુષ્ટ ઓષ્ઠોની
નીચે
સરી સીધી જતી
અનેક મંડલો અને કુંડલિનીઓમાં સૂતેલાં રહસ્યોમાંથી
પસાર થતી રેખાની
નીચે
અગ્નિસ્તંભ સમા બે પગ—
દરિયાના હૈયા પર ઊગેલા અગ્નિસ્તંભ સમા બે પગ
ઉપર આંખમાં ન સમાતી તીક્ષ્ણ ઘેરી મોહક રાત્રિ જેવો,
હાથમાં ન પકડાતા વરસાદીલા ઘાસની સ્વાદુ લીલાશ જેવો,
ચિત્રવિચિત્ર ફૂલોના શ્વાસ જેવો,
સહસ્ર મુખો વડે પણ ન ખવાતા વિસ્તીર્ણ
અન્નથી ભરેલાં ખેતરો જેવો

દેહ
અનેક યુગોને પોતામાંથી પસાર થવા દઈ ચાલ્યો
જતો હતો
ચાલ્યો જતો હતો
સળગતા ચંદનવન જેવાં સ્વપ્નાંઓમાં સળગતા
ટ્રૉય જેવાં અનેક નગરોમાં થઈ

કપૂરઊજળો દેહ ચાલ્યો જતો હતો.
સુંવાળા, લીલા, તપખીરિયા, લાંબા કાબરચીતરા
તબકતા કાળા રેશમ જેવી કીકીઓવાળા સર્પના
સરકતા, ગૂંચળું લેતા
લંબાતા વેગમાં દોડતા સમૂહ જેવા બે હાથ
ક્ષિતિજોને પોચી ભીંસથી ભીંસતા પંપાળતા
વીંઝાતા હતા.
સાગરની જાંઘમાં ઊછળતા
પ્હાડઊંચા ઉન્માદ જેવો એ વિરાટ દેહનો ઉન્માદ
પ્રચંડ પ્રલયઘૂમરી લઈ
ઊછળ્યો, છલક્યો, ફેલાયો, પથરાયો
આખાયે વિશ્વ પર,
અને
અનેક યુગોથી ખીલતી વિશ્વની છાતીમાં
સૂતેલી મસ્ત વાઘણ જેવી વસંતે છલંગ મારી
લાલલીલાપીળા ઘુઘવાટથી
વનોનાં હૈયાંમાં પોઢેલાં
અસંખ્ય ફૂલોનાં રંગબેરંગી સ્વપ્નોને ઝબકાવ્યાં.
આકાશમાં માય એટલા વિશાલ,
મોરની આંખ જેવા ચમકતા,
ગરુડના વેગને ગોપવતા,
તોફાની સમુદ્ર જેવા બેકાબૂ,
ઊંડા સરોવર જેવા શાંત,
ધાન્યના પ્રચંડ રોટલા જેવા મજબૂત,
બાળકના હોઠ જેવા કૂણા,
દૂધ જેવા નિર્મળ,
સુદીર્ઘ મેઘમાલાઓમાં ઝિલાયેલ તેજપુંજ જેવા
સુગઠિત સ્તનોની સુવર્ણમયી છાયા
નીચે
સમસ્ત વિશ્વ વિસ્ફારિત નેત્રે અવાક્
ક્ષિતિજોની પાર આવેલા સ્વર્ગને છાઈ વળેલી
મત્ત સૌરભભરી પાંદડીઓથી વિકસેલા,
જલપરીઓની નાભિમાં સૂતેલા
સેતાનો
અને
અપ્સરાઓનાં નેત્રોમાં સૂતેલા
દેવદૂતોનાં
સ્વપ્નાંઓને સંમોહિત કરી મદલોલ લાવણ્યથી ડોલતા,
દલેદલમાં યુગોથી સંચિત થતું અમી ભરી
આખાયે આકાશને ધારણ કરી
વિલસી રહેલાં પ્રફુલ્લ પુષ્પોથી છલકી ઊઠેલા
સુગઠિત સ્તનાદ્રિની તીવ્ર, ભીની, મોહક, ઉગ્ર, આર્દ્ર, માદક છાયા
નીચે
વિશ્વ ક્યારેક બાલક જેવું,
ક્યારેક મૂર્ખ જેવું,
ક્યારેક ઉદ્ભ્રાન્ત વાસનાપીડિત પશુ જેવું,
ક્યારેક હતવીર્ય જરઠ તરફડતા પાપગ્રસ્ત શાપગ્રસ્ત જીવ જેવું,
ક્યારેક પ્રેમપોચા પૌરુષભરેલા માનવ જેવું લાગતું.

વિશ્વ
કાંપતું, ખડખડ હસતું,
ખડકો ઉપર માથું પછાડતા પવનોની જેમ માથું પટકતું
તોરભરી નજર ફરકાવતું
ફરી
હારીથાકી

બે સુવિશાલ સ્તનાદ્રિની છાયામાં પોઢી જતું.
પણ

એક

એક
આંખમાં વડવાનલ લઈ,
અંધકારનો ભક્ષ કરી,
ઊછળતા સાગરોને દેહશિરાઓમાં સમાવી,
વિશ્વવહ્‌નિઓને સુદીર્ઘ પાંપણો પર ઝીલી,
મરુતોને શ્વાસમાં બાંધી
ઊગ્યાં તૃણોને ચૂમી,
વનોમાં ભભકી ઊઠેલાં કેસૂડાં જેવી કીકીઓને
સ્વર્ગ
થી
પૃથ્વી
અને
પૃથ્વી
થી
સ્વર્ગ
સુધી ઘૂમવી એકીટશે એકીટશે નીરખતો ઊભો છે.
અયુત વર્ષોથી વરસતા વરસાદને
અયુત વર્ષોથી તપતા સૂર્યોને
અયુત વર્ષોથી સુધાન્યથી લચી પડતાં ખેતરોને
પોતાના અણુએ અણુમાં સમાવી ઊભેલા
એ ભવ્ય નારીદેહની સન્મુખે

ઊભો છે અપલક
પૃથ્વી
અંતરિક્ષ
અને દ્યૌને પોતાના શ્વાસના ટેરવે ઊભા રાખી
દૃષ્ટિજિહ્વાથી અતિમનસ જ્યોતિનો આસ્વાદ લઈ
ધ્યાનમુદ્રામાં ઊભેલા
ભવ્ય નારીદેહની સન્મુખ
ઊભો છે એ અપલક

નારીદેહમાંથી સહસ્રધાર દ્યુતિથી વરસતા ચંદ્રને

નારીદેહમાંથી પ્રકટ થતાં રહસ્યોથી ભરેલા અવકાશને
પ્રચંડ મૃદુ લયમાં ઝીલી લેવા

વાણીનું તેજપાત્ર લઈ ઊભો છે અપલક.

અજન્મા નારીના શ્વાસ ને ઉચ્છ્‌વાસમાંથી ફૂટતાં
તારકો અને નક્ષત્રોને
પ્રેમ જેવા અચળ
શ્રદ્ધા જેવા ઉજ્જ્વળ
વેદના જેવા વિશાળ
આનંદ જેવા સર્વવ્યાપી,
સત્ય જેવા નિરપેક્ષ
અનુભવ જેવા ઊંડા શબ્દોમાં ઝીલવા

તીવ્ર ગતિથી ધસે છે,

ભવ્ય નારીના અતિ વેગવંત મનની ગતિથી પણ
તીવ્ર ગતિથી એ
ધસે છે એ...
(અવકાશપંખી, પૃ. ૧૨૧-૧૨૭)