કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩૬. અહીં જ ક્યાંક
Jump to navigation
Jump to search
૩૬. અહીં જ ક્યાંક
નલિન રાવળ
અહીં જ ક્યાંક વન હતું
હતાં અસંખ્ય વૃક્ષ પંખીગાનથી લચ્યાં લચ્યાં
અહીં જ ક્યાંક વાંકડી નદી વહી જતી હતી
લઈ ભીની ભીની સવાર
સૌરભે ભરી ભરી હતી લહર
લહર લહર મહીં ફરી રહી હતી પરી
અહીં જ ક્યાંક
મત્ત મહેકતાં ફૂલો મહીં
ઢળી બપોર સ્વપ્નમાં ડૂબી ડૂબી હતી;
અહીં
યૌવને છલંત વન્ય સુંદરી હવા મહીં
નેહનો નર્યો ભર્યો ભર્યો નશો મૂકી સરી ગઈ હતી,
હતું અહીં જ વ્હેંત છેટું આભ
આંખને હળુ અડી જતું હસી હસી,
દિશા બધીય દોડતી અહીં
અહીં જ ખેલ ખેલમાં તૃણે ફૂલે નભે બધે
છવાતી સાંજ
સાંજમાં સુંવાળપે સર્યે જતો મદિલ અંધકાર
ચંદ્ર તોળતા મયૂર સૂર
સાંભળ્યા હતા અહીં
અહીં કશેક વન હતું
અહીં જ ક્યાંક.
(અવકાશપંખી, પૃ. ૧૭૫)