કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩૮. સખ્ય
Jump to navigation
Jump to search
૩૮. સખ્ય
નલિન રાવળ
મળી ગયાં ટ્રેન મહીં અચિંત
અમે પ્રવાસી અણજાણ એવાં
એ
બારીની બ્હાર નીરખી રહી’તી
છટા ભરી ખીલી રહી’તી ચાંદની
ને
હુંય એના મુખપે છવાયલી
નીરખી રહ્યો’તો રમણીય રાગિણી
ત્યાં
સદ્ય કેવી ઘૂમવી ગ્રીવાને
વ્હેતું મૂકી એ નમનીય હાસ્ય
સાશ્ચર્ય નેત્રે નીરખી કહે :
એ… ઓ જાય…
કિલકારતી કૂંજડીઓની હાર…
એ
વાત વીત્યે વર્ષો વહી ગયાં
એ ક્યાં?
હું ક્યાં?
છતાંય આજે
રમણીય રાત્રે
નિહાળતો અંતર-આભ ઊંડે
છવાયલી મંજુલ ચાંદનીમાં
કિલકારતી જાય
ઓ… જાય…
કિલકારતી કૂંજડીઓની હાર.
(અવકાશપંખી, પૃ. ૨૪૫)