કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૦. નાના મોહનને
Jump to navigation
Jump to search
નાના મોહનને
નલિન રાવળ
નાના મોહનને અંધારાનો ભય
અંધારે એ કદી ન માંડે ડગ
રહે ધ્રૂજતો ઊભો વિમાસે ક્યાંથી આવશે ભૂત?
ડાબેથી વા જમણેથી કે ક્યાંથી આવશે ભૂત?
પાસે ઊભેલ રંભા દાઈ કહે
ડગ માંડ ડર્યા વગર અંધારે
લઈ નામ રામનું મુખે
લઈ નામ રામનું મુખે
રૂંવે રૂંવે થઈ નિર્ભય
મોહન ડગલાં ભરતો...
ડગલાં ભરતો ગયો નીકળી અંધારાની બ્હાર...
ઘનઘોર ગર્જના દક્ષિણ આફ્રિકાના અંધારાની બ્હાર.
દરિયે ડૂબી કોલાહલના
સ્વરાજ ઝાકમઝોળ ઊજવતા
નગર ગામ શ્હેરોનાં ટોળાં મૂકી પાછળ
અમાસની ભીષણ રાત્રિમાં
નોઆખલીના ભડકે બળતા ગામેગામ ઘૂમી
આગ બૂઝવતા મોહન — સૌના ગાંધી બાપુ —
પાવક અગ્નિની
ચડી પાલખી
ગયા નીકળી નામ રામનું લઈ
અંતરમાં નામ રામનું લઈ.
(અવકાશપંખી, પૃ. ૨૭૨)
ગાંધી (કાવ્યગુચ્છ)માંથી