કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૪. મરીચિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મરીચિકા

નલિન રાવળ

ખાલી
નજરોની પાર
ખખડતા નગરની પાર
દૂર
આકાશની કોર પર
કરવતની ધાર જેવા ફરતા તીક્ષ્ણ તડકા પર
યાદ કરવા
કંઈક યાદ કરવા
ફરી એકીટશે તેણે જોવા માંડ્યું.
ફરી ઓરડાની છત પર તેણે નજર ફેરવવા માંડી
કશું નક્કર
છતથી છો લગી નક્કર કશું પા’ણા જેવું હતું
અથડાઈ કુટાઈ નજર ટોચાઈ ટોચાઈ વેરાઈ ગઈ
ફરી
લંબાવ્યું તેણે ખુરશી પર — પગ કર્યા લાંબા ટેબલ પર
લંબાતા — લંબાતા પગ બારીની બહાર
બ્હાર નગરની બ્હાર
પાર ક્ષિતિજની પાર

જોતો જ ગયો દૃશ્યો
દૃશ્યો અવળસવળ ઉપરનીચે આગળપાછળ સરક્યે ગયાં

હવે ધસમસાટ જતી અસંખ્ય આગગાડીઓમાં
પાટાઓનું જંગી જાળું ગૂંચવાયું આંખોમાં...
જવું છે એને ત્યાં
જવું છે એને ત્યાં
જતાં આવે જ્યાં બધું યાદ —
ખોરડાં
ખોરડાં પર ઝૂક્યાં ઝાડ
ઝાડ પર ઝૂક્યું આભ
આભ પર ઝૂકી રાત
રાત મહીં ઊડે પંખીઓના સ્વર
સ્વર તળે
તારકોના ભીના તેજે તગી રહ્યું નમણું એ મુખ.
ઊંડે અને ઊંડે
ચહેરાઓને — અવાજોને વીંધતો એ ધપે
આગળ અને પાછળ પ્રલંબ પથો ધસે
આવ્યો, આવી પહોંચ્યો વળોટીને સમયના પ્હાડ
સ્થળ એ જ — એ જ સ્થળે
(આવ્યો અહીં ઘણી વાર)
અહીં આવે ઘણુંબધું યાદ
રહે અંતે ખાલી ખાલી હવા...
આજ
આજ કોણ જાણે કેમ આવે કશું નહીં યાદ
પથ્થરિયા તડકે
એ ઘણું ઘણું મથે કરવા કંઈ યાદ
રહે અહીંનો અહીં અને રહી અહીં
પહોંચાતું નહીં કહીં...
એને જવું
જવું પેલી કથામાંના રાજવીની જેમ તેને અહીં...
રાજવીને એનો પ્રશ્ન એક
બીજી રાત્રિ
રાજવીએ રાણીને બીજી રાત્રિએ ફરી પૂછ્યો પ્રશ્ન એ જ
આલિંગને બદ્ધ રાજવીના ઉલ્લસિત શ્વાસ
મહીં મેળવીને ઉલ્લસિત શ્વાસ
કહે રાણી, નહીં આજ
ઉત્તર આપું કાલ
ક્ષણેક્ષણ રાજવીના મન મહીં ઘૂમરાતો પ્રશ્ન
ક્ષણેક્ષણ રણરેત સમું કશું કંઈ ખરેખર ખરે
રણરેતી ખરખર ખરે
ત્રીજી
ત્રીજી રાત્રિ
ગૌર વક્ષસ્થલે વરસતો ચંદ્ર
ગૌર નાભિ અંતરાલે ખળખળ વહેતા ઝરણનો નાદ
સૂણે
આલિંગને રમમાણ રાજવીનો પ્રાણ
એકાએક
રાજવીએ પૂછ્યો ફરી... ફરી એ જ પ્રશ્ન
કહે રાણી પ્રશ્નનો ઉત્તર ચાહો
ચાલ્યે જાઓ... ચાલ્યે જાઓ આગળ ને આગળ ચાલો
ત્રણ રાત્રિ — ત્રણ દિન ચાલ્યે જાઓ
આવશે પ્રલંબ રણ
રણને વળોટી જોશો સંમુખ ઘોર ગુફા
ગુફામાં પ્રવેશી બધું જોઈ બહાર આવી જેવા રહેશો ઊભા
પ્રશ્ન ઊકલે જો પૂરો માનો ભાગ્યવાન
ઊકલે ન પૂરો ફરી કરો ગુફામાં પ્રવેશ વાર વાર
જાણે કોણ?
ઉત્તર મળે વા ન મળે.
જુઓ
જુઓ
આપણ બેની વચ્ચે પથરાયું પ્રલંબ રણ
રણ પરે વરસતો ચંદ્ર...
અરે!
નિદ્રિત તમે!
કિલકારે
અણજાણ પંખી કિલકારે
નિદ્રાભંગ રાજવી નિહાળે
સુપ્ત પત્ની મુખે ફરકંત સ્મિત
ક્ષણ
સ્મિત મહીં બદ્ધ
ક્ષણ અન્ય
આવાસને તજી માતાપિતા પત્ની પ્રજા સર્વસ્વને તજી
અશ્વે ચડી
રાજવી નીકળી પડ્યો નગરની બહાર
નદી, નાળાં, જંગલ ને પહાડ વીંધી આવ્યો જોજનોની પાર
વૃક્ષ થયાં આછાં
સૂકાભઠ્ઠ વહેળા
ગામડાં ભૂંસાયાં
ચારેમેર ઊડી રહી દઝાડતી લૂ
આકાશ નર્યું સુકાયેલ સાંઠીકડાનો ભારો
ધખધખ્યો કાળઝાળ રણકાંઠો
રણકાંઠે
હથોડાની જેમ અફળાતા પવનો
પછડાતા રેતસ્તંભો
સામે
ઝીંક લેતો અશ્વ પડ્યો ઢળી
આંખ ડોળા રેત રેત થઈ ખર્યા
રાજવી
અશ્વનું કંકાલ મૂકી ચાલ્યે ગયો
કયા પ્રશ્નનો દોર્યો એ ચાલી નીકળ્યો છે?
કયો પ્રશ્ન હતો તે?
વીસરાયું સર્વ... બંધાતો તે.
જે સામે જે હમણાં જે અહીં તેમાં બંધાતો તે.
અને વાત તો હતી
બધામાંથી છૂટવાની — મુક્તિની
રાત ઢળતા આકાશ રણની છાતીસરસું
તારકોમાં — આકાશમાં મળી જવું તે શું હશે ઉત્તર?
ક્યાંક જવું મળી એટલે થવું અસ્તિત્વવિહીન
પ્રમાણવું અસ્તિત્વ એ જ મોટી વાત
જેનો મેળવવા તાગ
ખેલ્યો રણનો પ્રવાસ
...સરી રાત
પરોઢનું સ્વપ્ન —
તોતિંગ પંખીની કરકરિયાળી છાયામાં
રેત પર રેત ઉપરતળે
પંખીના લોહિયાળ ન્હોરમાં નગર આખું ખૂંપેલ
ઊંચે ને ઊંચે ચકરાવા લેતું ઊડે જાય પંખી અધ્ધર ને અધ્ધર
પ્હાડ પાંખે ભીંસાયેલું આભ હલબલ્યું
ક્ષિતિજ પ્હોળા ચકરાવા લેતા પંખીએ છોડી દીધું
ઊંડી હવાખીણે નગર
તૂટી પડે ટુકડેટુકડામાં તૂટી પડે — તૂટી પડ્યું નગર.
સંમુખ
કાળમીંઢ ગુફા
ગુફા કરી પાર
રાજવી પ્રવેશે. અકલ્પ્ય ઉદ્યાન
સ્થિર વૃક્ષ, સ્થિર પર્ણ, સ્થિર પંખી, સ્થિર આભ
દોડી જાય શિશુ...
શિશુ મુખે નિજનો અણસાર પામી દોડે પૂંઠે
રાજવી ન પામે શિશુ
શો અર્થ શિશુ મળે કે ન મળે
નદીતટે દૂર યુવકના સ્કંધે યુવતીનો હસ્ત
રાજવી નિહાળે નિજ છટા યુવકમાં
અર્થ શો અર્થ છે
વિગત શૈશવ, વિગત યૌવન, વિગત...
પ્રવેશે
પ્રવેશે મહાલયે
મહાલયે ઊભરાતા માનવોના ઓળા
રાજવીના ખભે ઘસાઈ થતા પસાર વૃદ્ધ માતાપિતાના ઓળા
રાજવી વિમૂઢ વિમાસતો
મૂકી આ બધાને આવ્યો નગરની મહીં
તે સૌ અહીં ક્યાંથી?
રણ
રણ-ગુફા-ઓળાઓથી ઊભરાતો મ્હેલ
ભીંસે
શીદને આવ્યો? શું છે અહીં?
નગરમાંય શું હતું ત્યારે!
હતું બધુંય રાજપાટ રાણી કુટુંબકબીલો
તોય તું આ બધાંમાં રવડ્યા કરતો.
મુઠ્ઠી વાળી દોડ્યો
રાજવી આવ્યો ગુફા બ્હાર
સામે
રેત રેતનું રણ
રેતનું આભ, રેતની દિશા, રેતની ક્ષિતિજ સઘળે રેત રેત

ચાલ્યો, દોડ્યો, આથડ્યો
દિવસોના દિવસો, રાત્રિની રાત્રિઓ
વળોટ્યું રણ-મેદાન-જંગલ-પ્હાડ
આવ્યો ખંડેરોમાં
ઝાડીઝાંખરે તૂટી પડ્યો ખંડેરોમાં
સમયસડ્યા કાટમાળે
આથડે જુએ સાંભળે
ભાંગ્યા સ્તંભ — ભાંગ્યાં દ્વાર — ભાંગ્યા ઝરૂખા — ભાંગી
ભવ્ય પરસાળો
પર
પડતા ખખડતા ખાલી કાળઝાળ તડકાઓને
નગર
અહીં નગર
ક્યાં? ક્યાં છે નગર?
છે ખંડેરોના ઢગ પર
પડે તડકા પવનો વરસાદ
આ સ્તંભો — આ તોરણો? આ મહાલયો મારા?
નગર
આ નગર મારું?
ક્યાં છે નગર? ક્યાં છે નગરજનો — ક્યાં છે
માતા-પિતા-પત્ની?
ક્યાં? ક્યાં ગયું બધું? સમય કેટલો વહ્યો?
કેટલો દોડ્યો

દોડ્યો ખંડેરોની બ્હાર

દોડતો રહ્યો રણ તરફ... ગુફા તરફ

દોડ્યે જ ગયો...
વાતનો છેડો હાથમાં આવતાં

ઊઠ્યો,
બારી પાસેથી હટી દ્વાર પાસે ઊભો
ઓરડે નાખી છેલ્લી નજર
(કથામાંના રાજવીએ ખંડેરો પર જેમ નાખી હતી નજર
છેલ્લી નજર)
ઊતરી આવ્યો નીચે
સામે
ખખડતા બળબળતા નગરની પાર
આકાશની કોર પર
કરવતની ધાર જેમ ફરતા તડકા પર
તે
તાક્યે ગયો...
શું સૂઝ્યું કે તે દોડવા માંડ્યો
સેંકડો ખાલી નજરોની પાર
ક્યાં?
ક્યાં?
કયા રણ તરફ તે દોડ્યે જ જાય છે?
ક્યાં?
કયા રણ તરફ તે દોડ્યે જ જાય છે?
(અવકાશપંખી, પૃ. ૩૦૧-૩૦૮)