કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૨. પિતા—

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨. પિતા—

નિરંજન ભગત

પિતા, મરણનેય તેં પરમ મિત્ર માન્યો હતો!
તને જીવન જ્યાહરે પુનિત પૂર્ણ લાગ્યું ન’તું,
તદા સતત મૃત્યુનું શરણ તેં ન માગ્યું હતું?
પિતા, મરણનેય તેં જીવનમંત્ર જાણ્યો હતો!

તને પ્રબલ એક આશ હતી એ જ કેઃ ‘છો મરું,
પરંતુ નિજ દેહનાં જ બસ પંચ તે ભૂતને
કરું નહિ સુધન્ય, કિન્તુ મુજ આત્મના ઋતને
કરું પ્રગટ, વિશ્વના સકલ રોમરોમે ધરું!’

અને કરુણ અંતના જીવનની બની એ વ્યથા!
પરંતુ પ્રિય મૃત્યુએ સદય થૈ મિટાવી, પિતા,
જલાવી તવ દેહનાં સકલ બંધનોની ચિતા!
— અમે નિજ કલંકની શીદ મિટાવશું રે કથા?

નહીં, ઘટમહીં તને કદીય તે ન ઝાલ્યો જતો,
વિરાટમય તું ભલે અભયમુક્ત ચાલ્યો જતો!

૧૨-૨-૧૯૪૮

(બૃહદ છંદોલય, પૃ. ૫૮)