કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૧. ઝૂમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૧. ઝૂમાં

નિરંજન ભગત

(સિંહને જોઈને)
એ છલંગ, એ જ ન્હોર,
નેત્રમાંય એ જ તેજ, એ જ તૉર,
એ ઝનૂન,
એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમરોમ,
રે પરંતુ ચોગમે નથી વિશાલ વન્યભોમ.

પિંજરે પૂરી તને જણાવશું
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું.
અને બધાંય માનવી અમે થશું
તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.


(બૃહદ છંદોલય, પૃ. ૨૦૪)