zoom in zoom out toggle zoom 

< કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત

કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૯. ઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૯. ઘર

નિરંજન ભગત

ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે;
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર – ટોપીનોય – માથેથી ઉતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?

૪-૧૨-૧૯૫૬

(બૃહદ છંદોલય, પૃ. ૨૩૬)