કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૫૧. મૃત્યુને (એક)
Jump to navigation
Jump to search
૫૧. મૃત્યુને (એક)
નિરંજન ભગત
મૃત્યુ, મારા જન્મ સાથે તારો જન્મ,
પણ ત્યારે તો તું દૂર, દૂર.
દૂરથી તારો ચહેરો જોયો હતો, ઝાંખો ઝાંખો,
ક્યારેક કઠોર, ક્યારેક કોમળ.
જેમજેમ હું જીવતો ગયો,
તેમ તેમ હું તારી નિકટ થતો ગયો.
તોયે હજીયે તું દૂર.
હવે આજે તું નિકટ.
નિકટથી તારો ચહેરો જોઉં છું, સ્વચ્છ સ્વચ્છ,
સદા શાન્ત, સદા સૌમ્ય.
હવે આજે તું અતિ નિકટ.
ગમે ત્યારે આપણે એકમેકમાં ભળી જશું,
ગમે ત્યારે આપણે એકસાથે જ બળી જશું,
ત્યારે મારા મૃત્યુ સાથે તારું મૃત્યુ.
૧૮ મે, ૨૦૧૭
(બૃહદ છંદોલય, પૃ. ૪૨૨)