કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૧. એ દિવસો
ન્હાનાલાલ
(ઢાળ : ઓધાજી સંદેશો કહેજો શ્યામને)
ચન્દન છાંટી ચોક સમાર્યો વ્યોમનો,
રજની રસીલી હસતી લલિત વર હાસ જો !
ચાંદલિયો ઉર ભરી ભરી રસ કંઈ ઢોળતો,
આપણ પણ રમતાં’તાં વિરલ વિલાસ જો !
એવા યે દિવસો પણ પ્રિયતમ ! વહી ગયા.
ફૂલફૂલની પાંખડીઓ મીંચઈ ઢળી જતી,
નમી નમી સુરભિ લેતા પ્રિયને ઉછંગ જો !
નયનોમાં નયનો ઢાળીને હેત શું
ઊજવ્યો ઉત્સવ સ્હમજી પરમ પ્રસંગ જો !
એવા દિવસ હતા તે પ્રિયતમ ! વહી ગયા.
પ્રિયતમ ! એ શશિરાજ ચ્હ્ડન્ત અટારીએ,
પદે રમે ન્હાનકડો અનિલકુમાર જો !
ને મદભર રજનીનાં નયનો નાચતાં,
હૃદય ઝીલે સૌનાં અમૃતની ધાર જો !
એવા દિનનાં શમણાં પ્રિયતમ ! વહી ગયાં.
પલ્લવમાં પલ્લવના પાલવ પાથરી
પંખી પ્હોડ્યાં ભીડીને પાંખ શું પાંખ જો !
વિલસે આજ જગત સઉ રસના અંકમાં,
અજબ વિલસતી અલબેલી તુજ આંખ જો !
એવા રસદિવસો યે પ્રિયતમ ! વહી ગયા.
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૧૪૦)