કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૦. હો! રણને કાંઠલડે રે
Jump to navigation
Jump to search
૨૦. હો! રણને કાંઠલડે રે
ન્હાનાલાલ
(ઢાળ : આછા ઝરમરિયા રે)
પાછલી તે રાતનાં અજવાળિયાં રે,
ચન્દનીથી ચીતર્યાં સમીર :
હો ! રણને કાંઠડલે રે.
પંચાસરે તે પાંચ સરોવરો રે,
પુણ્યપાપચીતરેલાં નીર :
હો ! રણને કાંઠડલે રે.
ફૂદડીની ભાત ભલી દાખવતાં રે,
આભલાંથી ચીતરેલ વ્યોમ :
હો ! રણને કાંઠડલે રે.
જાહોજલાલી જૂની ગુજરાતની રે,
ઇતિહાસચીતરેલી ભોમ :
હો ! રણને કાંઠડલે રે.
રંક અને રાજવીની વાતલડી રે,
દુઃખસુખચીતર્યું અનિત્ય :
હો ! રણને કાંઠડલે રે.
કાળ કેરા આંકડા ઉકેલતાં રે,
હર્ષશોકચીતરેલું ચિત્ત :
હો ! રણને કાંઠડલે રે.
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૩૨૮)