કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩. વન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩. વન

ન્હાનાલાલ


ઊગ્યો સૂરજ જો લીલુડાં વનમાં રે,
ઊગ્યો-ઊગ્યો સરવર-ગિરિવરને તીરે.
જાગ્યાં ઘેરી ઘટામાંનાં પંખેરું રે,
જાગ્યાં-જાગ્યાં મેના, પોપટ, મોરલા.

ધણ લઈ ચાલ્યા વનમાં બાળ ગોવાળો રે,
ગાયો લઈ જાશે રે આઘી સીમમાં.
ફરતો ફાલ્યો આંબલિયાનો ફાલ રે,
શીળો રે સરવરિયા પરનો વાયરો.

ધણ ચરશે લીલમડું ઘાસલવિંગ રે,
સરવરનીર પીશે ને નીરમાં ઘૂમશે.
ઘાટાં જામ્યાં જાંબુડીનાં ઝાડો રે,
ત્હેને શીળે ધણ વેરાતું ઢળી જશે,

દૂરનાં સરવર ભરતાં ઝરણાં જેવો રે
ગીતડાં ગાતાં નાદ રાયકો રેલશે.
આંબાની મંજરીઓ ખાતી કોયલ રે
વસન્તની વાંસલડી સરીખી બોલશે.

– મા છોડીશ તું આજે ત્હારી વેણુ રે,
પ્રભુનાં ગીત વનવનથી વહી ત્હને વધાવશે.
ચીલામાં ચળકન્તા મરવા વીણી રે
છાંયે બેઠા રાયકો ભાત આરોગશે.

વૈશાખે વંટોળ ઉન્હાધખ વાશે રે,
ધૂળનાં વાદળ રચશે વનના વાયરા.

બળતાં કિરણોના વરસાદ વરસશે રે,
બળશે ધરતી, બળશે પ્રાણી, પાંદડાં.

વિયોગ શો કંઈ ધોમ ધખે આકાશ રે,
સૂકવશે સૃષ્ટિ, રસ આંબે સીંચશે.

ઊડતાં પંખી ડાળે ભેળાં થાશે રે,
વિસામે વિરમશે જગના પન્થીઓ.
કડવી લીમડીઓની મીઠી છાંયે રે,
રૂમાલના ઓશીકે રાયકો ઓઢશે.

કિલકિલ કરતાં વ્હાલપડાં પંખેરું રે
વ્હાલા ગોવાળ હાલરડે ઊંઘાડશે.
લળી લળી નમતી ફૂલવતી નીચી ડાળો રે,
પોઢ્યા ગોવાળ ઉપરથી માખ ઉડાડશે.

લીલમછમ પલ્લવમાં ઠરતો વાયુ રે,
થાકેલા ગોવાળનો થાક ઉતારશે.
– સંકોરી લે પાલવ ત્હારો ઊડતો રે,
વસન્તના પાલવની લિજ્જત લે ઘડી.

નમતો પ્હોર થશે ને સૂરજ નમશે રે,
વાદળિયા સરવરમાં લ્હેરો આવશે.
તટના ઘાસ વિશે મધમાખ ગગણશે રે,
પાળોને શણગારશે બગની વેલડી.

તરુવર કરતાં વાધી ત્હેમની છાયા રે,
પશુપંખી પણ લાગ્યાં મદભર ડોલવા.
પોઢ્યા રાયકા આળસ મરડી ઊઠ્યા રે,
ઊઠીને વગાડી ચતરંગ વાંસળી.

આઘી આઘી ખોમાં વળતી ગાયો રે,
વાંસલડી સાંભળશે, ટપ ત્યહાં ઊભશે.
જળજળનિર્મળ કમળો છૂંદતી ભેંશો રે,
વાંસલડી સૂણશે ને જલને ત્યાગશે.

– જો ! જો ! ઘેરા ભવયમુનાતટ રમતા રે,
અનહદ રે ! વગાડે ગોવિન્દ વાંસળી.
સૂણ, સમજ, આચર એ ગીતના ભેદો રે,
પશુથીયે પામર શું આપણ માનવી ?

સ્હાંજ પડી, આ તડકા કુમળા થાય રે,
સૂરજ પણ ધરતીના ઉરમાં ઢળી પડ્યો.
ક્ ય્હાં છે ધણ ? એ ક્ ય્હાં છે બાળ ગોવાળ રે ?
ક્ ય્હાં છે વાંસલડી એ વનવન વીંધતી ?

માત્ર સરોવરજળમાં રમતાં ભાળું રે,
દોડતી વાદળીઓનાં ભૂખરાં લ્હેરિયાં.
– આછા ઘૂંઘટ ઉઘાડ, વદન વિકસાવ રે,
વાદળીઓને વેર, પ્રગટ મુખચન્દની.

પ્રિયતમપ્રિય જોઈ લોકડિયાં લજ્જાશે રે,
વસન્ત તો પાંખડીએ પ્રેમ વધાવશે.
– ધન્ય નયન ! શું હાસ્ય વિરલ હું પામ્યો રે !
આશીર્વાદ હૃદયમાં ઊભરાતાં ઝીલ્યા.

ભાલકમલસૌભાગ્યસુધા મ્હેં પીધી રે,
ધણમાં નવ એ દૂધડિયાં લાધ્યાં મ્હને.
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, પૃ. ૩૩-૩૫)