કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૩૧. હરિવર સાથે હેત
Jump to navigation
Jump to search
હરિવર સાથે હેત
ખુલ્લેખુલ્લું કહી દઉં છું કે ખપે નહીં સંકેત.
છાનુંછપનું શાને કરવું? ક્યાં કરીએ છીએ ચોરી?
રાધાશ્યામના પ્રેમની ઉપર કોની છે શિરજોરી?
હું શ્યામની કુંજગલી છું : મીરાંબાઈનો ભેખ.
હરિવર સાથે હેત.
સાંવરિયાના સૂરની સાથે
હોય અમારો નાતો,
શ્યામની સાથે હોય સદાયે
શરદપૂનમની રાતો.
સૃષ્ટિ આખી તન્વી શ્યામા : ‘કૃષ્ણપુરુષ છે એક’.
હરિવર સાથે હેત.
(દ્વિદેશિની, પૃ. ૭૧)