કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૩૩. કૂર્માવતાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૩. કૂર્માવતાર

અહીં અમેરિકામાં
નિવૃત્ત થયેલી
વૃદ્ધ થતી જતી વ્યક્તિઓની આંખમાં
એક જ પ્રશ્ન ડોકાયા કરે છે :
—હવે શું?
ભારત જઈ શકાય એમ નથી
અમેરિકા રહી શકાય તેમ નથી
સંતાનો તો ઊડીને સ્થિર થઈ ગયાં
પોતપોતાના માળામાં.
અમે બધાં
સિટી વિનાના
સિનિયર સિટીઝન.
અમે છાપાં વાંચીએ
—પણ કેટલાં?
અમે ટેલિવિઝન જોઈએ
—પણ કેટલું? ક્યાં લગી?
સ્થિર થઈ ગયેલો સમય
અસ્થિર કરી મૂકે છે અમને
—અમારા મનને.
સસલાં અને ખિસકોલીની જેમ
દોડતો સમય
અચાનક કાચબો થઈ જાય
ત્યારે
એ અવતારને શું કહેવાય?


(દ્વિદેશિની, પૃ. ૧૧૨-૧૧૩)