કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૩૯. સાંધણ
Jump to navigation
Jump to search
૩૯. સાંધણ
નાની હતી
ત્યારે
રમતાં રમતાં
ફ્રોક ફાટી જાય
તો દોડીને
બા પાસે લઈ જાઉં:
‘જરા, સાંધી આપોને.’
‘તું ક્યારે શીખીશ સાંધતાં? લે, દોરો પરોવી આપ.’
હું દોરો પરોવી આપતી.
બા ફટાફટ ફ્રોક સાંધી આપતાં.
મારી ફ્રોક પહેરવાની ઉંમરને વરસો વહી ગયાં
અને, બા પણ હવે નથી રહ્યાં.
હવે
ઘણું બધું ફાટી ગયું છે.
સોય-દોરો સામે છે.
ચશ્માં પહેરેલાં છે
પણ દોરો પરોવાતો નથી.
કોણ જાણે ક્યારે
સાંધી શકાશે
આ બધું?
(દ્વિદેશિની, પૃ. ૨૦૮)