કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૪૩. જાપાનીઝ મેપલ છોડ અને હું


૪૩. જાપાનીઝ મેપલ છોડ અને હું

ધરતીમાં
ઊંડાં ફેલાયેલાં
મૂળિયાંવાળો
ઘરઆંગણે વાવેલો
જાપાનીઝ મેપલ છોડ
વધીને
વૃક્ષ થવા માંડ્યો છે.
હવે એ
દર ઉનાળે
રતુંબડાં પાંદડાં ફરકાવતો
લળી લળીને
પવન સાથે વાતો કરતો
ખડખડ હસશે…
એને
ક્યારેક
જાપાન યાદ આવશે ખરું?
મને મુંબઈ યાદ આવે છે.


(દ્વિદેશિની, પૃ. ૨૩૬-૨૩૭)