કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૯. નાળ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૯. નાળ

એ ગઈ કાલનો આનંદ
હજી મારામાં જીવે છે
મેં એને ગર્ભરૂપે ધારણ કર્યો
એને લીધે તો
મારા ગાલ પર ગુલાબ ઊગી ગયાં—
હું આખી જાણે
ભગવાનના હાથે બીજાં બીબાંમાં ઢળાઈ.
એક નાજુક જીવ,
મારી ભીતર ફૂલ્યોફાલ્યો
મને જગત કેટલું બધું ભાવ્યું—
અને કેટલી વસ્તુની તો મને મોળ જ આવ્યા કરી.
એક વાર જે મારી ભીતર હતું
એનો પ્રસવ થઈ ગયો “અને જતું રહ્યું.”
તેની સાથેની સંબંધક નાળ કપાઈ ગઈ.

આજે તો હું એકલી છું
ક્યાં ઝૂલતું હશે મારું બાળ?
મારે તો વલવલવું—
કેટલાંય હાલરડાં ગાવાનાં હજી બાકી!


(વિદેશિની, પૃ. ૪૦-૪૧)