કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/ઓળા પડ્યા
૨૮. ઓળા પડ્યા
ચંદ્ર ઊગ્યો;
ને બધે ઓળા પડ્યા.
મકાનોના, વીજળીના સ્થંભના,
વૃક્ષના, આ શ્વાનના, આ વેલના—
ભિન્ન રંગી સૌ પદાર્થતણા બનીને એકરંગી,
શ્વેત ચંદ્રીથી ઠરી ધરતી પરે
લાંબા નિરાંતે
શામળા ઓળા પડ્યા.
ભાદ્રપદના સૂર્યના તાપે તપ્યા આકુલ અતિ
ચાંદની પોઢેલ
ને ચાંદની ઓઢેલ
શા ઓળા પડ્યા!
(‘નાન્દી’, પૃ. ૭૭)