કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/કવિ અને કવિતા : પ્રજારામ રાવળ

કવિ અને કવિતાઃ પ્રજારામ રાવળ
Prajaram raval.jpg

સુન્દરમે જેમને ‘નોળવેલના કવિ’ કહ્યા છે, એ પ્રજારામ નરોત્તમ રાવળનો જન્મ ૩-૫-૧૯૧૭ના રોજ વઢવાણમાં. વતન વઢવાણ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાં. ૧૯૪૧માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી સ્નાતક થયા. ૧૯૫૪થી ૧૯૭૨ સુધી ભાવનગરની આયુર્વેદ કૉલેજમાં અધ્યાપક. ૧૯૭૨થી ૧૯૭૫ સુધી એ જ કૉલેજમાં આચાર્ય પદે રહ્યા. વ્યવસાયે વૈદ્ય. તા. ૨૮-૪-૧૯૯૧ના રોજ અવસાન. બાળપણથી પ્રજારામને કવિતા લખવાની ખેવના. ચોથી અંગ્રેજીમાં ભણતા ત્યારે તેમને કવિતા લખવાની અદમ્ય ઇચ્છા થયેલી. પરંતુ તે વખતે તો કવિતા ન લખાઈ. પરંતુ પાંચમી અંગ્રેજીમાં કવિતા લખવાની –કવિતાના પ્રયોગો કરવાની શરૂઆત થયેલી. એ સમયે તેમણે લક્ષ્મણની પત્ની ઊર્મિલા વિશે ખંડકાવ્ય લખવાનો પ્રયાસ કરેલો. ‘સર્જકની આંતરકથા’માં કવિ લખે છે  : ‘ખંડકાવ્ય બીજી પંક્તિમાં તો છંદની ઠોકર ખાઈને ખંડિત થઈ ગયું!’ એ પછી પાંચમી અંગ્રેજીમાં એમના અભ્યાસમાં ટેનિસનનું ‘લેડી ઑફ ધી લેઇક’ ખંડકાવ્ય હતું. એનો નાયક રોડરિક ધુ. બહારવટિયો છે. તેની પ્રશસ્તિરૂપે તેમણે ઝવેરચંદ મેઘાણીના ‘સોરઠી બહારવટિયા’ અને ‘સૌરાષ્ટ્રની રસધાર’ની અસરમાં અંગ્રેજી ભાષામાં ખંડકાવ્ય લખવાનો પ્રયત્ન કરેલો. પ્રથમ પંક્તિ પછી કાવ્ય આગળ ન ચાલ્યું. સતત કવિતા લખવાના મનોરથોએ તેમની પાસે કાવ્યસર્જન કરાવ્યું. વઢવાણની રાષ્ટ્રીય શાળામાં તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે તેમના શિક્ષક ગણિત શીખવતા. તેમને દાખલા શીખવા નહોતા એટલે એ સમયે શિક્ષકની મંજૂરી લઈને તેમણે ‘સીતાહરણ’ પુસ્તક વાંચવાનું ચાલુ રાખેલું. કવિ લખે છે  : ‘હું લખતાં શીખ્યો તે પહેલાં વાંચતાં શીખ્યો હતો.’ તેઓ ‘તુલસીકૃત રામાયણ’નો અનુવાદ રસપૂર્વક વારંવાર વાંચતા. પિતાના વૃદ્ધ સ્નેહીને ત્યાં ‘મહાભારત’ વાંચવા માટે પણ જતા. તેમણે મિત્રને ઘેર શ્રી રવીન્દ્રનાથ ટાગોરકૃત અને મહાદેવભાઈ દેસાઈ અનુવાદિત ‘વિદાય અભિશાપ’ અને ‘ચિત્રાંગદા’ વાંચ્યાં. રસના પ્રવાહમાં ખેંચાઈને તેમણે એકીબેઠકે પુસ્તકો પૂરા કરેલા. ત્યારે તેમને ‘ભાષાના આટલા રસથી ભરેલું લખાણ’ જીવનમાં પહેલીવાર વાંચ્યાનો આનંદ થયેલો. આ રીતે તેમના હૃદયમાં કવિતાનું બીજારોપણ થતું રહેલું. શાળામાંથી પર્યટન જવું, પિતા સાથે ફરવું, પ્રકૃતિના વિવિધ સ્વરૂપો નિહાળવા, આકાશમાં છવાઈ જતાં વાદળો, વીજળી, મેઘગર્જન, ધરમ તળાવના કાંઠા પર હવામહેલ પાસે વસતાં મયૂરોનો કેકારવ, પંખીઓનો કલરવ વગેરે કવિના ચિત્તને આકર્ષતા રહેલાં. એ રીતે કવિના હૈયામાં કવિતાનાં બીજ રોપાતાં–મ્હોરતાં રહેલાં.

૧૯૩૫માં ‘પાટણની આયુર્વેદ કૉલેજમાં પ્રવેશ્યા. ત્યાં કવિશ્રી ગોવિંદ સ્વામી જેવા સહપાઠી મળ્યા. આથી તેમની કવિતાને વેગ મળ્યો. એ પહેલાં કવિ–વિવેચક રામપ્રસાદ શુક્લને મળ્યા. આમ એમનો કવિપિંડ બંધાતો રહેલો, સંકોરાતો રહેલો. વાલ્મીકિના રામાયણનો અનુષ્ટુપ, ન્હાનાલાલના ‘પિતૃતર્પણ’ના શ્લોકો, સુન્દરમ્ ના ‘પોંક ખાવા’નો અનુષ્ટુપ, કાન્તની કવિતાના છંદ-લય-પ્રાસ, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાનાં કાવ્યોનાં પ્રાસ, શંકરાચાર્યના સ્તવનો, જયદેવનું ‘ગીતગોવિંદ’ વગેરે આ કવિને આકર્ષતા રહ્યાં છે, એમની કાવ્યસૃષ્ટિને પોષતા રહ્યાં છે. કવિએ લખ્યું છે  : ‘કવિતા જાણે પ્રાસેપ્રાસે, શ્વાસેશ્વાસે આગળ ચાલે છે.’ આ કવિ પાસેથી ૧૯૪૦માં સૌ પ્રથમ ‘મહાયુદ્ધ’ ૧૯૫૬માં ‘પદ્મા’, ૧૯૬૩માં ‘નાન્દી અને ૧૯૮૦માં ‘નૈવેદ્ય’ કાવ્યસંગ્રહો મળ્યાં છે. આ ઉપરાંત તેમની પાસેથી ૧૯૬૬માં મહર્ષિ અરવિંદના કાવ્યોનો અનુવાદ ‘પરબ્રહ્મ’ મળ્યો. તો ‘રઘુવંશ’ (૧૯૮૫) એ કવિ કાલિદાસના મહાકાવ્યનો સમશ્લોકી અનુવાદ છે. તો ઉમાશંકર જોશી અને સુન્દરમ્ સાથે તેમણે ૧૯૪૮માં ગોવિંદસ્વામીના કાવ્યોનું સંપાદન ‘પ્રતિપદા’ કરેલું. કવિ શ્રી સુન્દરમે ‘પદ્મા’ કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે ‘તેઓ એક પૂર્ણ સભાન રીતે યોગાભિમુખ બનેલા કવિ છે. અને પોતાના યોગાનુભવને તેમણે પૂરેપૂરા મોકળા મને સભર કંઠે ગાયો છે, અને તે ઉત્તમોત્તમ કાવ્યમય રીતે.’ એથી આગળ સુન્દરમ્ તો માને છે કે પ્રજારામને યોગની અનુભૂતિનું નિરૂપણ કરતી વખતે જ તેમને ‘કલ્પનાનું બળ’, ‘દર્શનની સૂક્ષ્મતા’, ‘વાણીનું સામર્થ્ય અને સૌંદર્ય’ પ્રાપ્ત થયાં છે. ઉત્તરાવસ્થામાં મહર્ષિ શ્રી અરવિંદ અને શ્રી માતાજીના સાન્નિધ્યે તેમના કાવ્યોમાં અરવિંદદર્શન પ્રતિબિંબિત થાય છે. પ્રકૃતિ તો પ્રજારામ સાથે ઓળઘોળ થયેલી છે, એટલે તેમના પ્રકૃતિકાવ્યો–ઋતુકાવ્યોમાં તેમના સંવેદનો લાક્ષણિક રીતે પ્રગટે છે. તેમની પાસેથી ગીતો, લઘુકાવ્યો, ઊર્મિકાવ્યો, મુક્તકો, સૉનેટો, અંજલિ કાવ્યો મળ્યાં છે. મંદાક્રાન્તા, શિખરિણી, પૃથ્વી, વિયોગિની જેવાં છંદો તેમની કવિતાને ઉપકારક બન્યાં છે.

વતનની ભૂમિને આ કવિએ ‘ઝાલાવાડી ધરતી’ કાવ્યમાં દૃશ્યબદ્ધ કરી છે. પ્રથમ પંક્તિ વાંચતાં જ આંખ સામે તેનું દૃશ્ય તરવરે છે  :

‘આ ઝાલાવાડી ધરતી!
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ, ચોફરતી.’

આ ખુલ્લી સપાટ – અફાટ ધરતી કવિને ‘વિરાટ જાણે ખુલ્લી હથેળી’ લાગે છે, તો એ જ ધરતી કવિને શુભ્રવસ્ત્ર ધારિણી ‘સંન્યાસિની’ પણ લાગે છે. તો ‘તરસ’ કાવ્યમાં આ કાળઝાળ ધરતીનું નિરૂપણ સરળ ભાષામાં જુઓ  :

‘ધીકતી ધરા ચાર બાજુએ,
આભ ઝરે અંગારા;
શાપિત મૃગની ઘોર તૃષાના
ક્યાંય દેખાય ન આરા!

આવા બળબળતા રણમાં શાપિત મૃગની તૃષા ક્યાંથી છીપે! જોકે વાત તો હૃદયની તૃષા છિપાવવાની છે. તો ‘કપૂર’ અને ‘અવ ન રહી’ જેવાં કાવ્યોમાં આ કવિને યોગાનુભૂતિની ઝાંખી થયાનું સંવેદન કાવ્યરૂપ પામે છે. આ કવિને ‘સુરભિત શ્વાસ’ની ઝાંખી થઈ છે. આથી જ આ કવિ ‘દ્યુતિ-ગીતિ’ ગાઈ શકે છે. તેમાં કવિના સ્વાનુભવનો રણકાર સંભળાય છે. પ્રકૃતિસૌંદર્યનાં કાવ્યો, ઋતુકાવ્યો અને યોગાનુભવનાં – અરવિંદ દર્શનનાં કાવ્યો એ આ કવિની વિશેષતા છે. તેમાં કવિની કવિત્ત્વશક્તિ, સૌંદર્યદૃષ્ટિ અને શબ્દચિત્રોનું આલેખન ઊડીને આંખે વળગે તેવાં છે. ‘શિશિર–વસંત’ કાવ્યમાં કવિ બન્ને ઋતુઓની સરખામણી કરતાં એકને ‘રાગી’ અને બીજીને ‘વૈરાગી’ તરીકે ઓળખાવે છે; જુઓ આ શબ્દચિત્ર  :

‘એક ખેરવે વસ્ત્ર પુરાતન,
બીજો મખમલ ઓઢે;
એક ઊભો અવધૂત દિગંબર,
અન્ય પુષ્પમાં પોઢે!’

એક ઋતુ ‘મુનિવ્રત’ રાખે છે અે બીજી ‘પંચમ સ્વરથી’ ટહુકે છે. એક સમાધિસ્થ છે, તો બીજી ઋતુનું ‘હૃદયદલ’ ખીલેલું છે. ‘વેણુ વસંતની’, ‘વસંત આવ્યો’, ‘ડાળે રે ડાળે’, ‘ખીલી છે સ્વચ્છ રાત્રિ’ વગેરેમાં કવિની સૌંદર્યદૃષ્ટિ અને કવિત્ત્વશક્તિ પામી શકાય છે. ‘ખીલી છે સ્વચ્છ રાત્રિ’માં કવિએ ધરતીને અભિસારિકા રૂપે આલેખી છે; જુઓઃ

‘એકાન્તે શાન્ત જાણે લલિત અભિસરે નાયિકા શી ધરિત્રી!
ચાલી જાતી અનાદિ પથ સમયતણો કાપતી, મુગ્ધરૂપા!’

તો ‘આ અંધકાર શો મ્હેકે છે!’ કાવ્ય આપણને પ્રહ્ લાદ પારેખના ખુશબુભર્યા અંધકારની યાદ આપે છે. ‘અમે’ કાવ્યમાં કવિ પોતાનો પરિચય આપતાં પોતાની ભૂમિ સાથે પોતે કેટલા ઓતપ્રોત છે; સુક્કીભઠ્ઠ ધરાનું હૈયું કેટલું સંવેદનશીલ છે, ભીનું છે એ સ-રસ શબ્દ કરે છે.

‘અમે આ રહ્યા શ્રી પ્રજારામ રાવળ.
અમારે તમારાં મિલનની ઉતાવળ.
અમે ભાંગતા રોજ કાંટા અમારા  :–
અમે બોરડી; ને અમે સાવ બાવળ.’

ઝાલાવાડી ધરતીનો પરિવેશ રજૂ કરતા કવિ શું શું નથી એમ કહેતા જે છે એનો અઢળક આનંદ વ્યક્ત કરે છે. મોગરા, ગુલાબ નથી, પારિજાતનું સ્વપ્ન જોનારા કવિને ચારેકોર ખીલેલાં આવળનાં પીળાં ફૂલોમાં નવાબી ઠાઠ લાગે છે. સૂકી લૂખી ધરાને સ્હેજ ખોદતાં – ‘ખણતા’ મધૂર જળ ભરેલાં ઝરા ફૂટી નીકળવાનો આનંદ છે. ‘ષડરિપુ’ કાવ્યમાં કવિએ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરના સ્વ-ભાવ મુજબના તર્કબદ્ધ શબ્દચિત્રો આલેખ્યાં છે. જ્યારે ‘અંધારાં તલખે રે’ કાવ્યમાં કવિ પરમતેજની ઝાંખી કરવા ઝંખે છે. આ કવિને તો બાળકોના કુમળા ચહેરાઓમાં જ ‘આદિ કવિતા’નું પ્રાગટ્ય જણાયું છે. કવિએ હરતોફરતો ગેબી ‘ચહેરો’ પણ જોયો છે. તો ‘સાફ ચદરિયા’ કાવ્યમાં કવિએ ઈશ્વર પાસે જવાની, એની એક હાંકે બહાર નીકળવાની તૈયારી પણ બતાવી છે. અધ્યાત્મની અનુભૂતિનાં – શ્રી અરવિંદદર્શન અને માતાજીની કૃપાનાં કાવ્યોમાં અનુભવ અને સંવેદનની સચ્ચાઈ પ્રગટ થાય છે. ‘શ્રી અરવિંદ’ કાવ્યમાં કવિ મહર્ષિ મહિમા ગાય છે. તો કેટલાંક કાવ્યોમાં શ્રી અરવિંદ અને માતાજીની કૃપાનો ભાવ પણ આલેખાયો છે. ‘નોળવેલ’માં કવિએ સાપ અને નોળિયાની લડાઈનું નિરૂપણ કર્યું છે. સાપ નોળિયાને ડંખે છે, અને નોળિયો એ ઝેર ઉતારવા ‘નોળવેલ’ને ‘અમૃતમય વલ્લિ’ – અમૃતવેલને સુંઘી આવે છે. ઈશ્વરે જ આ સંસારરૂપી સર્પ, નોળિયારૂપી મનુષ્ય અને સર્પદંશનું ઝેર ઉતારવા માટે નોળવેલ – પરમશક્તિની આરાધનાનું સર્જન કર્યું છે. નોળિયાને તો નોળવેલને સુંઘવા જવું પડે છે, જ્યારે મનુષ્યની અંદર જ આ નોળવેલ પાંગરેલી છે. કવિશ્રી ચંદ્રકાન્ત શેઠે લખ્યું છે કે – ‘આમ તો પ્રત્યેક કવિ એક અર્થમાં ‘નોળવેલનો કવિ’ હોય છે. એ પરાવાણીનો સાધક – ઉપાસક પોતાના અંતરતમમાં અધિષ્ઠિત અમૃતવલ્લિનો સાક્ષાત્કાર ન કરે ત્યાં સુધી એ ‘અમૃતવાચા’નો ઉદ્ગાયક બની શકતો નથી.’ કવિશ્રી પ્રજારામ રાવળ વિશે શ્રી અનંતરાય રાવળ નોંધે છે  : ‘વિષયનું વૈવિધ્ય એમની પાસે નથી, પણ શ્રી અરવિંદની યોગાનુભૂતિ અને વૃત્તિ-સંવેદનાદિનું તેમનું કવન સચ્ચાઈના એટલે પ્રતીતિ અને થોડીક આંતર અનુભૂતિના રણકારવાળું હોઈ નવા કવિઓમાં એના ગાયક તરીકે એમને વિશિષ્ટ સ્થાન અપાવે તેવું છે.’

તા. ૫-૧૨-૨૦૨૪

– ઊર્મિલા ઠાકર