કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/ગગન અને પૃથ્વી
૨૫. ગગન અને પૃથ્વી
મને વ્હાલું વ્હાલું ગગન, શિરપે ઉન્નત ઢળ્યું.
પહેલી વેળાએ અબુધ શિશુનાં નેત્રથકી એ
હશે ન્યાળ્યું, વ્હાલું બસ પલથકી એ થયું હશે.
નિહાળું હું એને મુજ મુખ યદા ઉન્નત કરી,
તદા મૂંગૂં મૂંગૂં મુજ ઉપર શો સ્નેહ વરસે!
મને વ્હાલું વ્હાલું ગગન, ઋતુમાં સૌ, સહુ પલે.
મને વ્હાલી વ્હાલી પૃથિવી, ચરણોને દૃઢ અડી
બધી બાજૂ રૂડી પૃથુલ પથરાયેલ સઘના.
(પ્રવેશી જાતો સૌ દિશમહીં શું વિસ્તાર ધસતો!)
ધરા. આ ભૂમાના સુખથી ભરી, અલ્પત્વ ન જરી.
મહા કો ચૈતન્યે પ્રચુર ઉભરાતી સતત શી!
મને વ્હાલી વ્હાલી પૃથિવી, નિરખું મોદિત સદા.
મને છત્રચ્છાયા શિર ઉપર નીલા ગગનની;
અને ધારી રાખે દૃઢ ચરણને ધીંગી ધરણી.
(‘નાન્દી’, પૃ. ૫૯)