કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/વિશાળાં મેદાનો
૨૨. વિશાળાં મેદાનો
વિશાળાં મેદાનો અવનિ પર ખુલ્લાં પ્રસરિયાં.
ગમે નિત્યે; ધીરે નજરપટ વિસ્તારું મુદથી.
છવાએલો કૂંણાં સુખસ્પરશ લીલાં તૃણ થકી,
ઉનાળાનો કિંવા પડતર પડેલો પટ લૂખો,
ભલે ઊંચોનીચો, વિષમ અતિ; ખામી ન સુખમાં!
મને મેદાનોની નરી બૃહદતા તૃપ્તિકર, હા!
વિશાળાં મેદાનો, વિતત કલકલ્લોલ જલધિ,
અને ઝૂક્યું બ્હોળું ગગન નીરખું મોદિત સદા.
નિહાળું ખુલ્લી આ સહુ બૃહદતા વિસ્તૃત ઢળી
અને બંધાએલું અતિ લઘુક સીમા સૃદૃઢમાં
લભે મુક્તિ મારું મન; મનતણો બદ્ધ પટ કૈં
અહો, ધીરે ધીરે મૃદુ મૃદુ સુવિસ્તારિત થતો...
(‘નાન્દી’, પૃ. ૩૯)