કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૦. ખિસકોલીઓ
Jump to navigation
Jump to search
૨૦. ખિસકોલીઓ
પ્રિયકાન્ત મણિયાર
શિશિરની રાત્રિમાં ઠરી ગઈ
આ અગાસી થકી ઊભી ઊભી રહી ભીંતને
સ્હેજમાં તેજથી સૂર્ય હૂંફવી રહ્યો ત્યાં જ તો
સેલતી ગેલતી
સુપ્ત સંતાયલી
ક્યાંકથી છટકીને આવી ના હોય શું એવી ઉતાવળે
મચી ગઈ મોજમાં
ઘડી અહીં ઘડી તહીં
ઘડી ઊંચે ઘડી નીચે
— ભેરુ જાણે બધા નીર ન્હાવા પડ્યા —
નીરવ કિલ્લોલને શો ચગાવ્યો હવામાં અહીં!
નિત્યની ભીંત જે સાવ ચોરસ રહી એ જ વર્તુલ બની;
પલકમાં પુચ્છની પીંછી ચીતરી ગઈ
માહરી આંખમાં ઝૂલતાં વૃક્ષ કૈં સામટાં.
(આ નભ ઝૂક્યું, પૃ. ૪૯)