કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૮. દિવસે ડૂબું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૮. દિવસે ડૂબું

પ્રિયકાન્ત મણિયાર

દિવસે ડૂબું રાતના ઊગું
કોઈ વેળા હું આભમાં પૂગું.
એકલવાયા તારલા તગે છેક છેવાડે બૂઝે,
કર પ્રસારી સ્હેજ સંકોરું તેજથી પાછા ઝૂઝે;
તમરાંના ત્રમકારથી ઝાઝું
બોલતું આખું આભ તો મૂંગું.
દિવસેo

એક સપાટે લસરી આવ્યો લસતી ચાંદની ધારે,
ભૂલમાં હું તો ઊતરી આવ્યો રાતરાણીના ક્યારે;
મ્હેક મારામાં એમ ભળી કે
ઘેનમાં હું તો મુજને સૂંઘું!
દિવસેo
(આ નભ ઝૂક્યું, પૃ. ૭૩)