કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૧૮. ભીના વાયરા
Jump to navigation
Jump to search
૧૮. ભીના વાયરા
બાલમુકુન્દ દવે
ઊંચી મેડી ને ભીના વાયરા મારુજી!
ડોલે મારા દીવડિયાનાં નૂર જો,
ધીરા વાજે રે તારા વીંજણા મારુજી!
પાછલી પછીતે વાગી વાંસળી મારુજી!
સૂરે સૂરે વીંધે મારાં ઉર જો,
ધીરી વાજે રે તારી વાંસળી મારુજી!
અવળે હાથે તેં મારી કાંકરી મારુજી!
સવળી થૈને વાગી તતકાળ જો,
એવા ના ખેલ ભૂંડા ખેલીએ મારુજી!
ભોળાં તે હૈયાં ના છંછેડીએ મારુજી!
બાંધી હિંડોળા એને ડાળ જો,
હૈયાંની વાડીઓ ના વેડીએ મારુજી!
૧૯૫૦
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૬૨)