કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૪. કાચબા-કાચબીનું નવું ભજન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૪. કાચબા-કાચબીનું નવું ભજન

બાલમુકુન્દ દવે

કાચબો-કાચબી ઊગર્યાં આગથી, ગુણ ગોવિંદના ગાય,
છૂટિયાં પાપી પારધીથી, બેઉ બાવરાં બીતાં જાયઃ
ચાલો ઝટ સાયરે જૈયે,
ફરી બા’ર પગ ન દૈયે.

આગળ પાછળ જાય રે જોતાં, જગનો ના ઇતબાર,
મનખે મનખે પારધી પેખે, શું રે થાશે કિરતાર?
પાપી ફરી પીડશે દેવા?
થાશે ભૂંડા હાલ તો કેવા!

અંગ દાઝતાં આગથી, કૂડા વાયરા ઊના વાય,
કાચબી કે’ છે કાચબાને કંથ! એંધાણ અવળાં થાય,
ફરી આવી વસમી વેળા,
હવે નક્કી જમનાં તેડાં!

જગ જાણે એક આંધણ-હાંડો ઊકળતો દિનરાત,
માંયે શેકાતા જીવ ચરાચર, આ શું દેખું દીનાનાથ?
શિકારીનાં ટોળે ટોળાં
હણે લોકવૃન્દને ભોળાં!

દવની ઝાળથી દાઝિયા ડુંગરા, દાઝિયા જલના જીવ!
ગર્ભવાસે પોઢ્યાં બાળ રે દાઝ્યાં, કેર કાળો શિવ શિવ!
આથી ભલાં ઊગર્યાં નો’તે
દઝાપા ના નજરે જોતે!

કાચબો કે’ આ તો એક અણુનો આટલો છે ખભળાટ,
પરમાણુ ને વીજાણુ તો વળી વાળશે કેવા દાટ?
રોકાશો ના રામજી ઝાઝા,
આવો, લોપી માનવે માઝા!

રામ કહે, ભોળાં કાચબા-કાચબી! આમાં ન મારો ઇલાજ,
માનવે માંડ્યાં ઝેરનાં પારખાં, હાથે કરી આવે વાજ!
વો’રી પેટ ચોળીને પીડા,
મારો શો વાંક વા’લીડાં?

આપે પ્રજાળ્યાં ઈંધણાં, ઓરાણો આપથી હાંડા માંય,
ચોદિશ ચેતવ્યો પ્રલ્લે-પ્રજાવો, શેણે કરું એને સા’ય?
સારું જગ ભડથું થાશે!
શિકારીયે ભેળો શેકાશે!

માનવી મનની મેલી મુરાદોને પ્રેમની વાગે જો ચોટ,
ડગલાં માંડે જો કલ્યાણ-કેડીએ, છોડીને આંધળી દોટ
પાછો વળી જાય જો પાજી,
તો તો હજી હાથમાં બાજી.

ગોવિંદજી ચડ્યા પાંખે ગરુડની, વાટ વૈકુંઠની લીધ,
માનવ-બુદ્ધિની બલિહારીની ગોઠ બે પ્રાણીએ કીધઃ
ચલો ઝટ સાયરે જૈયે,
ફરી બા’ર પગ ન દૈયે.

૩-૮-’૫૫
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૨૫-૧૨૬)