કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૪૧. વતનવાટે બપોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૧. વતનવાટે બપોર

બાલમુકુન્દ દવે

ગાડીથી ઊતરીને, પળભર વિરમી શંભુને શાન્ત દેરે,
હીંડ્યો હૈયે અધીરે, વતનપથ પરે, ધોમધીખ્યા બપોરે;
ખેલેલો ઘૂઘરે હું શિશુવય જનનીઅંક, એવાં જ વ્હાલાં,
વૈશાખી વા અડે ને ખડખડ ખખડે ખેતરે ખાલી કાલાં!

આઘેની ભેખડે કો ભડભડ બળતી ચેહ રાતી સ્મશાને,
સામેથી દોડી આવે પરિચિત સરિતા જાંબુઓ ભેટવાને!
એકાદે વૃક્ષઠૂંઠે ‘પ્રભુ તું’ ‘પ્રભુ તું’ની ધૂન માંડે કપોત,
પીતો મધ્યાહ્ન પોશે, હળુહળુ સરિતાનો વટી જાઉં સ્રોત.

ખંભાની ખીંટીએ દૌં ભરવી બગલથેલો, બઢું ઓર આગે,
‘ઓ આવ્યું ગામ મારું’ પ્રતિપલ ભણકારા ઉરે એ જ વાગે!
પેલી પેખાય ઝાંખી વતનદ્રુમઘટા જીવને જેની માયા,
દે’રે ઊડે પતાકા, અસલ પરબડી, છાપરાં છાજ છાયાં.

થોભો ના, થાકશો ના, ચરણ! અધઘડીનો હવે ખેલ બાકી;
ભાગોળે આપણી તો અગન વરસતી લૂ બની જાય સાકી!
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૪૨)