કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૪૬. કનકકોડિયું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૬. કનકકોડિયું

બાલમુકુન્દ દવે

સાવ રે સોનાનું એક કોડિયું
ને માંય ટમટમ જલતી વાટઃ
કોણે રે સિંચન કીધાં સ્નેહનાં?
ને કોણે અદ્ભુત ઘડિયા ઘાટ?
કનક કેરું કોડિયું રે!

એવા રે વીંઝાતા વેરી વાયરા
કે જાણે હમણાં હોલાશે ખદ્યોત!
કોણે રે પાલવ કેરી આડમાં —
હો એની જાળવી અખંડિત જ્યોત?
કનક કેરું કોડિયું રે!

અદકેરી ઊંચી એક હાટડી
ને એથી અદકેરો કસબી સોનાર!
ઘાટ રે ઘડંતો ભાતભાતના
હો નથવેસર ને નવસર હાર!
કનક કેરું કોડિયું રે!

વીરા રે સોનારે ઘડ્યું કોડિયું
ને એનાં મંદ મંદ મલક્યાં ઓજાર!
અદકેરી ઓપી એની હાટડી
હો જે દી ઘડી એણે સ્નેહસિંચી નાર!
કનક કેરું કોડિયું રે!

૨૯-૯-’૫૮
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૫૯)