કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/કવિ અને કવિતાઃ મકરન્દ દવે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કવિ અને કવિતાઃ મકરન્દ દવે


Makrand-Dave.jpg


‘સાંઈ’ અલગારી કવિ તરીકે પ્રસિદ્ધિ પામેલા કવિશ્રી મકરન્દ દવેનો જન્મ ૧૩ નવેમ્બર, ૧૯૨૨ના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ ગામમાં. માતા જીવીબા. પિતા વજેશંકર દવે શાળામાં શિક્ષક હતા. બાળક બાબુ (મકરન્દ દવે)એ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલમાં લીધું. મૅટ્રિક થયા પછી તેઓ વધુ અભ્યાસ માટે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં જોડાયા. મોટાભાઈ મનુભાઈ પણ ત્યાં જ ભણતા. ગાંધીજીથી પ્રભાવિત થઈ બંને ભાઈઓ ૧૯૪૨માં આઝાદીની ચળવળમાં જોડાયા. ખાદી અપનાવી. લાઠી પણ ખાધી. દેશ માટે અભ્યાસ છોડ્યો. પરંતુ સ્વાધ્યાયરૂપે તેમનો અભ્યાસ ચાલુ રહેલો. સ્વ-અધ્યયન અને વાચનથી તેઓ શિક્ષણ મેળવતા રહેલા. ૧૯૪૩થી તેઓ ‘કુમાર’માં જોડાયેલા. ‘ઊર્મિનવરચના’ માસિક અને ‘જયહિંદ’ દૈનિક દ્વારા પત્રકારત્વ સાથે પણ જોડાયેલા. ૧૯૬૮માં કુંદનિકાબહેન સાથે લગ્ન. ૧૯૭૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૯૭માં ગુજરાત સાહિત્ય અકાદેમીનો ગૌરવ પુરસ્કાર અને ૨૦૦૨માં નરસિંહ મહેતા ઍવૉર્ડથી સન્માનિત. ૧૯૮૪માં તેમણે નવતર જીવનશૈલીને અનુસરતી નંદિગ્રામ નામની સામાજિક સંસ્થાની સ્થાપના કરી. જે વલસાડ જિલ્લાના વાંકલ ગામે, ધરમપુર જવાના રસ્તા પર આવેલી છે. આ અલખના આરાધક પરમશાંતિની શોધમાં ૩૧ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ નંદિગ્રામની માટીની મહેકમાં ભળી ગયા. કવિશ્રી મકરન્દ દવે પાસેથી ‘તરણાં’ (૧૯૫૧), ‘જયભેરી’ (૧૯૫૨), ‘ગોરજ’ (૧૯૫૭), ‘સૂરજમુખી’ (૧૯૬૧), ‘સંજ્ઞા’ (૧૯૬૪), ‘સંગતિ’ (૧૯૬૮), ‘હવાબારી’ (૧૯૯૩), ‘ઉજાગરી’ (૧૯૯૩), અમેરિકાનો ચિરંતન ચહેરો (૧૯૯૯) વગેરે કાવ્યસંગ્રહો મળ્યા છે. તો ‘ઝબૂક વીજળી ઝબૂક’ ભાગ ૧-૨ અને ‘આપણી ટોળી’ તેમના બાળકાવ્યોના સંગ્રહો છે.

‘સર્જકની આંતરકથા’માં આ કવિ લખે છે – ‘– માનાં હાલરડાં સાંભળતા ઊંઘી જતો હોઈશ ને પ્રભાતિયાં સાથે જાગતો હોઈશ ત્યારે શબ્દ અને સ્વર બંને મને પાંખો આપતા હશે.’ તેમનો પરિવાર સાહિત્યપ્રેમી. પરિવારના સભ્યો અગાસીમાં બેસે. કોઈ એક વ્યક્તિ કાવ્યપંક્તિ બોલે, બીજું તેની પૂર્તિ કરે. એ રીતે તેમનામાં કવિતાનાં બીજ રોપાયેલાં. એ ઉપરાંત બાળપણમાં સાંભળેલાં લોકગીતો, પદો, ભજનોએ તેમના કાવ્યપિંડને પોષ્યો. તેઓ લખે છે – ‘જે લોકગીતો, પદો, ભજનો સાંભળવા મળ્યાં તેણે શબ્દને – લયને પારણે ઝુલાવવા માંડ્યો. કવિતા પ્રાણનો કબજો લઈ બેઠી.’ મકરન્દ દવેને વાચનનો ખૂબ શોખ. તેમને ગોંડલમાં સમૃદ્ધ પુસ્તકાલયનો લાભ મળેલો. હાઈસ્કૂલમાં અંગ્રેજી શીખેલા. તેમના અંગ્રેજીના શિક્ષક દલસુખભાઈના કાવ્યપઠનની ઊંડી અસર, તેમજ તેમની કાવ્ય સમજાવવાની શક્તિએ પણ તેમની કવિત્વશક્તિને ખીલવી. તેઓ લખે છે – ‘કીટ્સનું ‘લા બેલ દામ, સાં મર્સી’ તો હજુયે કાનમાં ગુંજે છે. ટેનિસનનું ‘સનસેટ ઍન્ડ ઇવનિંગ સ્ટાર’વાળું કાવ્ય તો ભણતાં-ભણતાં જ અનુવાદિત થઈ ગયું.’ આ ઉપરાંત દેશળજી પરમારને ત્યાં આવતા ‘પોએટ્રી’ અને ‘અમેરિકન પોએટ્રી રિવ્યૂ’ના અંકો તેઓ વાંચતા. આમ આ બધાં પરિબળોએ તેમને કવિતાની કેડીએ ચડાવેલા. કાવ્યયાત્રા સાથે સાથે તેમની અધ્યાત્મયાત્રા પણ શરૂ થયેલી. તેમને નાથાલાલ જોશીનો પરિચય થાય છે ત્યારે તેઓ લખે છે – ‘જાણે છેક કૈલાસશિખર સુધી ગગનપથે જતા હંસનો સંગાથ થયો.’ આ ઉપરાંત બૌદ્ધ સિદ્ધો, યૌગીઓ, નરસિંહ મહેતા, તુલસીદાસ, કબીર અને રવિસાહેબ જેવા સંત કવિઓએ પણ તેમને આકર્ષ્યા છે. સ્પેનના સંતકવિ સેઈન્ટ જ્હૉન ઑફ ધ ક્રૉસનાં કાવ્યો વાંચતાં તેમનું મન ‘શિખરો પર તરતું’ થઈ જતું. તેમના અંગ્રેજી અનુવાદો પરથી તેમણે ચારેક કાવ્યોના અનુવાદો પણ કર્યા. તેમણે સૌંદર્યના કવિ કીટ્સ અને શેલી જેવા વિશ્વના કવિઓને વાંચ્યા, પચાવ્યાં. તો પશ્ચિમના ચિંતકો – રૂથ બેનેડિક્ટ, અબ્રાહમ માસ્લો, આર્નોલ્ડ ટોયન્બી જેવા ચિંતકોનો ય અભ્યાસ કર્યો. તેઓ ઉર્દૂ ભાષા શીખેલા. તેમણે મિર્ઝા ગાલિબ, મીર તકી મીર અને અસગર ગોંડવી જેવાં ગઝલકારોને પણ વાંચેલા. તો અમૃત ‘ઘાયલ’ અને મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ સાથે તેઓ ગઝલની ય નજીક આવ્યા. તેઓ બંગાળી ભાષા પણ શીખેલા. તેમના ઘરના આંગણામાં રસિકજનો સાથે મળી રવીન્દ્રનાથના ‘બલાકા’નું વાચન કરતા. આમ ટાગોર અને મહર્ષિ અરવિંદની વિચારધારા પણ તેમના કાવ્યસર્જનના મૂળમાં છે, તો તેમની યોગસાધનાનું બળ પણ તેમની કવિતાની ભોંયમાં છે.

‘ગમતાંનો ગુલાલ કરનાર’ આ કવિ, સંતોની ભજન-પરંપરાના અલગારી કવિ છે. આ કવિનો કાવ્યવિશેષ – પ્રકૃતિસૌંદર્ય, ભક્તિરસ, લોકસાહિત્યના સંસ્કારો સાથે સહજ સંવેદન, સોરઠી-વાણીની તળપદી મહેક, ગઝલનો મિજાજ, પરિવ્રાજકની સાધના, આધ્યાત્મિક ચિંતન છે. તેમની પાસેથી ગીતો, ભજનો, ગઝલો, સૉનેટ, મુક્તકો, છંદોબદ્ધ રચનાઓ મળી છે. તેમનો વિશેષ ઉન્મેષ ગીતોમાં પ્રગટ થાય છે. તેમનાં કાવ્યોમાં શબ્દોની ગહનતા, મૌનનો મર્મ અને અવધૂતની મસ્તી આસ્વાદ્ય છે. ‘સૌંદર્યનું ગાણું’ રચનામાં કવિ અનેક મુશ્કેલીઓમાં, વેદનાની ઝાળમાં ચારેબાજુ બધું ખતમ થઈ જાય, વિરૂપ થઈ જાય તોય શ્રદ્ધા અને વિશ્વાસ નહીં છોડવાનો અને સૌંદર્યનું ગાણું ગાવાનો સંદેશ આપે છે. સ્વપ્નના મિનારાઓ પર વજ્રના પ્રહારો થાય, સંહારો થાય, ઉપહાસની આંધી ઊઠે તોપણ પ્રેમથી માંગલ્યના સૂર રેલાવાનું કહે છેઃ


આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો!
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો!
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

વિશિષ્ટ લય-હિલ્લોળ સાથે રચાયેલી કાવ્યરચના ‘બાંકી રેખ’માં કવિએ બીજના ચંદ્રનું – આથમણા અંધારામાં આવીને થોડી ક્ષણોમાં ચાલી જતી બીજરેખાનું સુરેખ વર્ણન કર્યું છે. કવિની કલ્પના અને કવિનું આશ્ચર્ય જુઓઃ


આવડા મોટા આભમાં નાની
'હોડલી આવી હોય તૂફાની?
કોણ રે એનો કોણ સુકાની?

આકાશ જાણે સાગર અને બીજરેખા એ તો હોડી – સોનાની હોડી! પરંતુ તેનો સુકાની કોણ છે, એ કવિનું કુતૂહલ છે. એ પ્રવાસી કોણ છે જે મનની મીઠી મહેક રેલાવી, પ્રીતના સૂરે બાંધીને ચાલી જાય છે, હૈયામાં સ્નેહની રેખા અંકાઈ જાય છે. વિરહ સાલે છે, આંખડી ઝરે છે ને ઉરનો અભિષેક થાય છે. આમ થોડીક ક્ષણોમાં જ આવીને ચાલી જનાર બીજરેખા કવિના હૈયામાં અનેક સંવેદનો ઝંકૃત કરતી જાય છે. આ કવિનાં ગીતોમાં સહજતા, સરળતા અને ભાવવાહિતા ધ્યાનપાત્ર છે. પ્રકૃતિના આલંબન સાથે સંવેદનો નિખરે છે. તેમનું ખૂબ જાણીતું ગીતઃ


ફૂલ તો એની
                ફોરમ ઢાળી રાજી.
        વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
        ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
                મૂગું મરતું લાજી : ફૂલo

પ્રથમ પંક્તિમાં જ ફૂલની હળવાશ, એની મસ્તી પ્રગટ થાય છે. કવિએ ફૂલનું મૂંગા મૂંગા લાજી મરવાનું માનવ-સંવેદન સરસ ચિત્રાંકિત કર્યું છે. નિસ્પૃહી ફૂલનો આનંદ તો ફોરમ ઢાળવામાં જ છે. એને મસળી નાખનારનેય એ તો તાજી સુગંધ આપે છે. ‘વળતા આજ્યો’ એ સંતપરંપરાની પદપ્રકારની રચના છેઃ


માધવ, વળતા આજ્યો હો!
એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો!

રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષટંકાર,
મોરપિચ્છ ધરી જમનાકાંઠે વેણુ વાજ્યો હો!

આર્દ્ર હૃદયે ગોપીભાવે માધવને મથુરાથી પાછા વળતા આવવાની કવિ વિનંતી કરે છે. ભક્તો તો માધવને મોરપિચ્છ ધારણ કરીને, વેણુ વગાડતા, માખણ ચોરતા, તેમની સાથે રાસ રમતા જોવા ઇચ્છે છે. માધવનો રાજ્યાભિષેક થાય કે, તેઓ ધનુષટંકાર કરે. પરંતુ ભક્તોને તો જમનાકાંઠે મોરલી વગાડતા માધવ જ જોઈએ છે. ‘સમસ્યા’માં કવિને બ્રહ્માંડના સર્જનહારના રહસ્યને પામવા માટે ગુરુની શોધ છે. તો ‘ગેબી ગુંજતો’માં પણ સર્જનહારની લીલાથી આશ્ચર્યચકિત કવિને એ ગેબી રહસ્યની શોધ છેઃ


પવને પડેલા ટેટા દડબડે
કરતા બીની બિછાત,
એક રે બીમાં બોઈ અણગણી
વન વન વડલાની ભાત;
સાવ રે સાદામાં ગેબી ગુંજતો.

આવાં અનેક રહસ્યોની કવિને ખોજ છે. અંતે પ્રેમનો પ્યાલો પીતાં અને પાતાં, ઈશ્વરનો સાક્ષાત્કાર થતાં જ બધાં જ રહસ્યો આપમેળે ખૂલી જાય છે એ કવિનો અનુભવ છે. ‘આ અંધકાર શો મહેકે છે’ એ ધ્યાનમગ્ન અવસ્થામાં થયેલા અનુભવોને શબ્દસ્થ કરતી રચના છેઃ


આ ભીની હેત ભરી હલકે,
શી મીઠી મંદ હવા મલકે!
છાની છોળે અંતર છલકે;
આ ગહન તિમિરની લહેરો પર
કોઈનાં લોચન લહેકે છે!
આ અંધકાર શો મહેકે છે!

તો ‘નિકટ હરિનો દેશ’ એ પરમતત્ત્વ સાથેનું તાદાત્મ્ય, ભક્તિભાવ અને શરણાગતિના ભાવને અભિવ્યક્ત કરતી પદપ્રકારની રચના છેઃ


રજ રજમાં વ્રજ કેરી પ્રતીતિ આપો હવે રસેશ!
નયણાં સામે એક તમોને નિરખું નિત અનિમેષ.

ચાલો આપણે દેશ’માં કવિને આગમનો સૂર આમંત્રે છે. કાળનુંય કશું ઊપજતું નથી એવી કેડીએ ચાલી નીકળવા કવિ આતુર છેઃ


ધરતી ને અંકાશ મળે જ્યાં તેજ તિમિરના છેડા,
કાળ બિચારો ફોગટ ફરતો વહાં હમારા કેડા.

રેણ લઈ રસ્તામાં અવધૂ, ટશરો ફૂટી રાતી,
સાહિબકે ઘર સુરતા સાંધો, હવે ગગનમેં માતી.

કવિનું ખૂબ જણીતું ભજન ‘આવો’માંની પંક્તિ – ‘આવો, રે આવો હો જીવણ, આમના.’ જાણે મધ્યકાલીન સમયને જીવંત કરે છે. આ ભજનમાં આત્મા અને પરમાત્માના મિલનની તીવ્ર ઝંખના થાય છે. ઈશ્વર પાસે મનુષ્ય કેટલો તુચ્છ છે એ સુંદર પ્રતીકો દ્વારા વ્યક્ત કર્યું છે.


અમે રે સૂકું રૂનું પૂમડું,
       તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યોને તારેતારને,
        વીંધો અમને વ્હાલા આરંપાર :
        આવો, રે આવો હો જીવણ, આમના.

મનુષ્ય કેટલો તુચ્છ છે એ દર્શાવવા કવિ ધારદાર પ્રતીકો વાપરે છે – પોતે ‘ઊધઈ-ખાધું ઈંધણ’ છે ને ઈશ્વર ‘ધગધગ ધૂણીના અંગાર’ અને એટલે જ કવિ એને પ્રજ્વલિત કરવા ‘અગનના શણગાર’ માંગે છે. કવિની ભાવ અને ભાષાની અભિવ્યક્તિ નોંધપાત્ર છે. આ કવિની કવિતાનો રંગ ગેરુઓ છે. ‘પંખી આંધળું’માં કવિ ‘તેજલ વાટ’ બતાવવા વિનંતી કરે છે, તો ‘અનોખાં ઈંધણા’માંઃ


અંગારા ઓલાણા અવધૂત ઊઠિયા,
પડી ગઈ પછવાડે રફરફતી રાખ;
એવી રે ધૂણીમાં જીવતર જોગવ્યે
પલટે પ્રાણ શણે મથી મરો લાખ!
અનોખાં ચેતાવો આતમ, ઈંધણાં.

અવધૂત ચાલ્યા ગયા પછી તેમની ખાલી પડેલી મઢીમાં – સમાધિસ્થળે રહેવાથી, ચરણરજ લેવાથી, ભજન-કીર્તન, કથા વગેરે બાહ્યાચારોથી જીવન પ્રકાશિત થઈ શકે નહીં. એ માટે તો ‘આતમ ઈંધણાં’ જોઈએ. આત્માને ચેતવીને પ્રાણથી અસલી અંબાર પ્રગટાવવાનો છે. ‘ગોરજ ટાણે’માં સૂરજ અને તેનાં કિરણોને ગોવાળ અને ગોધણ કલ્પીને – પ્રકૃતિવર્ણન સાથે તેમના હૃદયના ભાવોને કવિ અભિવ્યક્ત કરે છે. અંતે તો કવિને ચેતનાના ચરિયાણ પામવાની, અસીમનો ચારો મેળવવાની ખેવના છે. તો ‘અનહદ સાથે નેહ’માં ઈશ્વર સાથેનો નાતો બંધાઈ જતાં ગોપીભાવ પ્રગટે છે. ‘ઘડિયા લગન’માં જન્મ-મૃત્યુના ચોરાસી લાખ ફેરામાં – દરેક ફેરામાં ઈશ્વરનું અનુસંધાન છે. એ રહસ્ય કવિને લાધ્યું છે એટલે જ તેઓ દરેક ફેરામાં સુંદરવરનું સામૈયું કરવા ચહે છે. ‘ઢોલક હજુ બજાવે છે’માં ઢોલકની થાપ, ગાન અને રાસનું વાતાવરણ રચીને કવિ રાતના સૂનકારને ઘૂંટે છે; એ સાથે અભાગણી રંગુ વડારણની પીડા ભાવકના હૈયાને હચમચાવી દે છે. કવિનાં ગીતોમાં સહજ આવતાં લય-ઢાળ, તળપદાં ઉપમાનો વગેરે તેમના ગીતોને વિશેષ આસ્વાદ્ય બનાવે છે. કેટલીક પંક્તિઓ જોઈએઃ


આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજુ બજાવે છે,
ને ઉજ્જડપાના ફળિયામાં
એ સૂતાં પ્રેત જગાવે છે.

*

ઊંડા પતાળની માછલી રે લોલ,
આવી ચડી કો’ક દી’ કિનાર,
રંગ માલમજી લોલ,
હવે નંઈ આવું તારા હાથમાં રે લોલ.

*

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
                        ને ગમતાંનો કરીએ ગુલાલ.

*

કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
                ક્ષણનાં ચણીબોર.
... ... ...
        પીળચટાં ને તૂરમતૂરાં,
        કોઈ ચાખી લે ખટમધુરાં,
        લાલ ટબા તો પારખે પૂરા,
વીણી વીણી આપતાં હોંશે
                ચખણી ચારેકોર. — કાળનીo

*

કાળા ભમ્મર મેઘની નીચે
લીલું મારું ધાનનું ખેતર.

*

પગલું માંડું હું અવકાશમાં,
                        જોઉં નીચે હરિવરનો હાથ,

*

સાંયાજી, કોઈ ઘટમાં ગહેકે ઘેરું,
        બાવાજી, મુને ચડે સમુંદર લ્હેરું.

*

વેર્યાં મેં બીજ અહીં છુટ્ટે હાથે તે
                        હવે વાદળ જાણે ને વસુંધરા.

આ કવિને સોરઠ દેશ વૈકુંઠથીયે વિશેષ વહાલો લાગે છે. સોરઠી બોલીના શબ્દોથી દુહામાં સોરઠી રંગ મહેકે છે. જુઓ ‘દુનિયામાં દૂજો નહીં’માં


સોરઠ સરવો દેશ મરમી, મીઠો ને મરદ,
એવો દુહાગીર દરવેશ દુનિયામાં દૂજો નહીં.

સોરઠ સેંજળ દેશ ભાતીગળ ભાવે ભર્યો,
એવો હેતાળુ હમેશ દુનિયામાં દૂજો નહીં.

કવિએ કવિતામાં ગીત અને ભજનની સાથે સૂફી રંગી ગઝલોને પણ આરાધી છે. જુઓ ‘લા-પરવા’! માંઃ


કોક દિન ઈદ અને કોક દિન રોજા,
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
... ... ...
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
આપણા તો થીર બળે આતમાના દીવા.

‘સંગ કબીરનો’માં જાણે કવિએ કબીરને આત્મસાત્ કર્યા છે. દોહા પ્રકારના આ કાવ્યમાં કબીર નિમિત્તે કવિ ‘શબદના દેશ’નો મહિમા કરે છેઃ


કબીરા, તારી દેણગી, રોજ વિશેષ વિશેષ,
સુરત ગ્રહે તો ઊગરે, ડૂબે શબદને દેશ.
... ... ...
ગ્રંથ તણી ગઠડી તજી, કબીરા, ફોગટ ફેંક,
શબદ ઝુકાવ્યો શ્વાસમાં, તું લાખોમાં એક.

ગીત, ભજન, ગઝલ, સોરઠા અને દોહા પ્રકારની કાવ્ય રચનાઓ સાથે કવિએ ‘અશ્વો’ જેવાં વિલક્ષણ સૉનેટ પણ આપ્યાં છે, તેમાં ગતિશીલ ચિત્રો-દૃશ્યોનું આલેખન જુઓઃ


લીલા કોમળ ઘાસથી હર્યુંભર્યું મેદાન આ વિસ્તર્યું,
નીચી ડોક નમાવી અશ્વ ચરતા, ત્યાં તો વહેતી હવા
ભીની માદક ને મથે શિર જરા ઊંચું કરી સૂંઘવા
અશ્વો, મસ્ત છલાંગતું મન રહે એનું ધર્યું ને ધર્યું.

ઈશા કુન્દનિકાએ નોંધ્યું છેઃ “કવિતા એમના લોહીમાં હતી કે પ્રાણમાં હતી કે જીવન સાથે વણાયેલી હતી, એટલે પ્રારંભકાળની રચનાથી માંડી છેલ્લા સમય સુધીની રચનાઓમાં જાણ્યે-અજાણ્યે આખી જીવનયાત્રાના વિવિધ તબક્કાઓનું પ્રતિબિંબ ઝિલાયું છે.” શ્રી સુરેશ દલાલે આ કવિ માટે લખ્યું છેઃ “સનાતનની ખોજમાં નીકળેલા એમના જીવને માટે શબ્દ પણ એ રસ્તે જતાં જતાં મળી ગયેલા વિસામા જેવો છે. કવિતા એમના જીવન માટે જળ છે.” ઊર્મિલા ઠાકર