કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૦. આભને ચરિયાણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૦. આભને ચરિયાણે


દિવસનું ગોધણ હવે ગોરું ગયું
ધૂલ-ધૂસર, દૂર આથમણી ગમાણ ભણી અને
સૂર્યભાભાનું અલોપ થતું જતું
મેલખાયું છેલ્લવેલું ફરફરે;
કિરણનાં બે-ચાર બાકી તણખલાં ઊડી રહ્યાં,
આભનું ચરિયાણ શું સૂમસામ આ!

હે-ય ત્યાં તો હેતભીની હલકથી,
બીજબંકિમ અધર પર આછોતરી
વાંસળી વાગી અને—
ડોલતી વીડી મહીં તારા તણી
ચન્દ્ર આવ્યો ચારવા,
—સ્હેલતા પીઠે રૂડા આહીરના છોરા સમો—
કૂંઢી ને અલમસ્ત, મંથર મલપતી, નવચંદરી
ભેંસ ભગરી રાતની.

૬-૨-’૫૫ (ગોરજ, પૃ. ૨૫)