કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૧. ફોરમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૧. ફોરમ


ફૂલ તો એની
                        ફોરમ ઢાળી રાજી.
       વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
       ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
                         મૂગું મરતું લાજી : ફૂલo
        એક ખૂણે આ આયખું નાનું,
       કેવું વીતી જાય મજાનું!
કોઈનું નહીં ફરિયાદી ને
                          કોઈનું નહીં કાજી : ફૂલo
        એનું નિજના રંગમાં રાતું.
        ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઈ તો સામે
                          મહેક દે તાજી તાજી!
         ફૂલ તો એની
                          ફોરમ ઢાળી રાજી.

૧૫-૧૨-’૫૮ (સૂરજમુખી, ૧૯૬૧, પૃ. ૬૫)