કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૪. અનહદ સાથે નેહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૪. અનહદ સાથે નેહ


મારો અનહદ સાથે નેહ!
        મુને મળ્યું ગગનમાં ગેહ.

ખરી પડે તો ફૂલ ન ચૂંટું,
        મરી મટે તે મીત;
મનસા મારી સદા સુહાગણ
        પાતી અમરત પ્રીત :
અનંત જુગમાં નહીં અમારે
                એક ઘડીનો વ્રેહ! —
        મુને મળ્યું ગગનમાં ગેહ.

ચારે સીમ પડી’તી સૂની
        માથે તીખો તાપ;
મેઘરવા મુને હરિ મળ્યા ત્યાં
        અઢળક આપોઆપ!
મીટ્યુંમાં વરસ્યો મોતીડે
               મધરો મધરો મેહ! —
        મુને મળ્યું ગગનમાં ગેહ.

સતનાં મેલી રંગસોગઠાં
        ખેલું નિત ચોપાટ,
જીવણને જીતી લીધા મેં
        જનમ જનમને ઘાટ;
ભેદ ન જાણે ભોળી દુનિયા
        ખોટી ખડકે ચેહ! —
          મુને મળ્યું ગગનમાં ગેહ.

(સૂરજમુખી, પૃ. ૧૩૧)