કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૬. હળવા ટકોરા
Jump to navigation
Jump to search
૩૬. હળવા ટકોરા
દીવો રે ઓલાયો અધમધ રાતનો,
થંભી ગઈ ઝૂલણ ખાટ,
બારણે ટકોરા પડ્યા તે સમે,
કોઈ જાણે જુએ મારી વાટ!—
હળવા ટકોરા કોના હેતના?
આગળિયા ખોલું ને અટકી રહું,
કોણ હશે? કેવી હશે વાણ?
અજાણ્યા શું કરવાનાં આખરે
આમ કાંઈ અચિંતાં પરિયાણ!—
હળવા ટકોરા કોના હેતના?
અતિથિ, ઊભા રો’ અગમ દેશના,
ઘડી પલ થોભો, છેલ્લી વાર
ઘરને ન્યાળું ને નીસરી પડું
બા’ર મેલી ઉઘાડાં ફટાર—
હળવા ટકોરા કોના હેતના?
મુખ રે જોયું એક મલકતું,
જોઈ એક ઝળહળ મશાલ,
બીજું તે જોવાની કોને ઝંખના?
મનનો ઊડે મત્ત ગુલાલ!—
હૈયે રે હિલોળા એના હેતના.
૩૧-૮-’૬૫ (સંગતિ, પૃ. ૨૯)