કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૧૨. વૃક્ષમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૨. વૃક્ષમાં


સામે છે એ મકાનની બારી ન ખોલશો,
એનો અવાજ હોય તે ખખડે છે વૃક્ષમાં.
વરસાદ બંધ થાય છે ત્યારે બળી ઝળી,
ભીંતો બહાર જાય ને પલળે છે વૃક્ષમાં.
બપ્પોર છે, નિરાંતથી ઊંઘો શહેરીઓ!
રસ્તા બધા ય આજ તો ઊંઘે છે વૃક્ષમાં.
જોયા કરે પહાડ કે પોતાનું શું થશે?
ઝરણાં અસંખ્ય કેમ આ ફૂટે છે વૃક્ષમાં?
કોટિ કિરણ હશે કે હજારો સૂરજ હશે,
એકેક કેટકેટલાં સરકે છે વૃક્ષમાં!
વાળી દઈ ઉજાસ મેં મૂક્યો’તો પાંદડે,
એ કોણ આ અવાજથી બોલે છે વૃક્ષમાં?
ઊતરે છે જ્યારે સાંજ ને બેસે છે ડાળ પર,
ઊગ્યાં હો વૃક્ષ એટલાં પ્રગટે છે વૃક્ષમાં.
(ૐ તત્ સત્, પૃ. ૧૨)