કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૧૫. જીવી શકું હું…

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૫. જીવી શકું હું…


જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર?
પાંપણ કદી ય રહી શકે મટકું ભર્યા વગર?
ચાલ્યાં મને ત્યજી તો નવો ખ્યાલ સાંપડ્યો,
ડાળી ગુમાવવી પડી ફૂલને ખર્યા વગર.
હૈયાની માછલીનો તરફડાટ નહીં જુઓ,
આંખોનું પાણી આપનું ખાલી કર્યા વગર.
ડૂબી ગયો તો આપનું સાન્નિધ્ય સાંપડ્યું,
પાણી ગયું કપાઈ સમંદર તર્યા વગર.
મંજિલ મળી છે એમ કહું તો એ ભ્રમ હશે,
પામ્યું નથી કફન અહીં કોઈ મર્યા વગર.
દર્શન નયનનાં પામવા દૃષ્ટિ થવું પડે,
ખુદને નિહાળી ના શકો દર્પણ ધર્યા વગર.
(ૐ તત્ સત્, પૃ. ૧૭)