કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૧૮. અવાજો
શહેરી થાંભલાઓ સાંભળે છે,
અતિ ઝાંખા ધુમાડાના અવાજો.
કરે છે એટલો ઘોંઘાટ રસ્તા,
મને વાગે છે પથ્થરિયા અવાજો.
તિરાડો (બારીઓ ના હોય!) માંથી,
કરે છે આવ જા લાંબા અવાજો.
રચાઈ જાય ગોળાકાર એવો,
જડાઈ જાય ચોખંડા અવાજો.
પ્રવેશે મોટા મોટા કાન જોઈ,
ઝીણાં જંતુઓ — સગવડિયા અવાજો.
સફેદી તીવ્ર નખથી કોતરીને,
દીવાલોમાં રડે કાળા અવાજો.
ઊભા છે એક પાછળ એક, સઘળા,
ન હાલે, ચાલે ગાડરિયા અવાજો.
અગાસીથી કૂદી, રસ્તાઓ વચ્ચે,
પડી કચડાય છે ઘરના અવાજો.
પરાણે પીંજરામાં જઈ પુરાયા,
લીલા રંગોના પોપટિયા અવાજો.
બધેથી થાય છે ઉપહાસ મારો,
બધે સંભળાય ખરબચડા અવાજો.
નદીની રેત માથા પર મૂકીને,
બગાસાં ખાય ઘાસલિયા અવાજો.
ઉડાડે થૂંક, ને પથ્થર ઉગાડે,
ક્રિયાશીલ સર્વ ધુમ્મસિયા અવાજો.
પણે ઓ જાય છે, ઓ જાય છે, ઓ!
અવાજો આ તે છે કેવા અવાજો!
બિલાડીની બે ઝીણી આંખ વચ્ચે,
દબાયા કૈંક ઉંદરિયા અવાજો.
કબૂતરની ફૂટેલી આંખમાંથી,
મને પાછા મળ્યા મારા અવાજો.
(ૐ તત્ સત્, પૃ. ૧૯)