કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૩૪. અમથાલાલને પ્રશ્ન
Jump to navigation
Jump to search
૩૪. અમથાલાલને પ્રશ્ન
અમથાલાલ બારી બની ગયો છે
ત્યારથી
ઘર દીવાલ બની ગયું છે.
અને
દીવાલ તૂટી ગઈ છે
ઈંટોમાં તિરાડ પડી છે
અને
તિરાડે તિરાડે
બેસી બેસીને
સૂરજનું સોનેરી–રૂપેરી કિરણ
રોજ રોજ
નિસાસા નાખે છે.
એક દિવસનો
એક નિસાસો એટલો ઝીણો હોય
કે
આકાશ એને સાંભળવા આંખ આડા કાન ધરે
અને
પૃથ્વી એની પગની પાનીને જોયા કરે.
આભ અને ધરતી
ઘર અને દીવાલ
બારી અને બારણાં
હું અને તું
કેવો સંદર્ભ!
તે હેં અમથાલાલ! તું આ અમથાલાલ, તે અમથાલાલ,
ઓલો અમથાલાલ, પેલો અમથાલાલ, કોઈ પણ અમથાલાલ
કેમ ના બન્યો, તે, કે તને માણસ બનવું,
માણસ રહેવું ના ગમ્યું તે,
કે તેં તારું અસ્સલ રૂપ જે હતું તે,
તે તું બારી બની ગયો?
અમથાલાલ! જવાબ આપ
તું શા માટે બારી બની ગયો?
મારે બારીમાંથી
ડોકિયું કરવું છે.
(હસુમતી અને બીજાં, ૧૯૮૭, પૃ. ૮)