કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૩૬. કીડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
'


મારું નામ
કીડી.
હું આઠ માળ ચઢી
તોપણ
હાંફી નહીં
ને
પડી
તો
છેક નીચે ગઈ
પણ
મરી નહીં.
મારું બળ મારી ગતિ છે
હું ચાલું છું
ધીમી
પણ
દોડું છું પૂરપાટ.
મને કોઈ કહે કે માણસ થવું છે ?
તો
હું ના પાડું.
માણસ થવાથી
આઠ માળ ચઢીને
હાંફવું પડે છે
અને
પડી જઈને
છેક નીચે જઈ શકાતું નથી
અને
અધવચ્ચે જ
અથડાઈ-કુટાઈને
મરવું પડે છે.
એથી તો ભલી
હું
કીડી
નાની
ને
અમથી.
મારો કોઈને ભાર નહીં,
મને પણ.
(હસુમતી અને બીજાં, પૃ. ૩૪-૩૫)