કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૩૮. હું અને એ
હું અને એ
કેટલાંય વર્ષે
ઘરની બહાર નીકળ્યાં
પાનના ગલ્લે
જઈ
હૂંફાળું સ્મિત કરી
પાનનો ઑર્ડર આપ્યોઃ
સાદો મસાલો
લવલી ચટની ઇલાયચી
ચાર દાણા શેકેલી સોપારી
અને સહેજ અમથી ઇજમેન્ટ.
પાનવાળાએ હસતાં હસતાં કહ્યુંઃ
મારા બાપા કહેતા હતા
કે
એમના પિતાના જમાનામાં
કોઈ કોઈ લોકો
આવું સાદું
ઝનાના પાન
પ્રેમથી ખાતા.
એ જમાનો ગયો
હવે તો
તમતમતું તમાકુ
ન હોય તો
પાન ખાવાની
અને
બનાવવાની શી મજા?
મોચી કહેઃ
ચંપલને સાંધવાનું
કે
ટાંકા મારવાનું
ક્યારનુંય બંધ છે.
શાકવાળો કહેઃ
કિલોનો ભાવ ગયો
નંગ કેટલા જોઈએ છે
તે
બોલો.
ચાલતાં ચાલતાં
અમને થયુંઃ
હવે તો ચાલવાનું પણ જુનવાણી ગણાય
એનો વિચાર કરીએ
એટલે ચાલ્યાં
અને
બહુ વિચાર કરીએ
તો
ખૂબ ખૂબ ચાલ્યાં
અને
થાક્યાં.
મોડી રાત્રે
ઘરમાં પાછાં ફરતાં
એવું થયું
કે
ન પૂછો વાત.
પહેલાં એણે બારણું ખોલ્યું.
અને એ ગઈ.
બારણું બંધ.
પછી મેં બારણું ખોલ્યું
અને હું ગયો.
બારણું બંધ.
અંદર ગયા પછીથી
એ
એના રૂમમાં
અને
હું મારા.
મને થયુંઃ
મારું ઘર
એક એક ઇંચ
આગળ ખસી રહ્યું છે.
એને થયુંઃ
એનું ઘર
એક એક ઇંચ
પાછળ ધસી રહ્યું છે
બસ.
એ પછીથી
હું અને એ
કદી
એકબીજાંને મળ્યાં નથી
ઘરની બહાર ગયાં નથી
કેમ છો, પૂછ્યું નથી
ખાધું નથી
પીધું નથી
અને
રાજ કીધું નથી.
Template:Righ