કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/અમને ગુરુ મળ્યા છે ગરવા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૪. અમને ગુરુ મળ્યા છે ગરવા

અમને ગુરુ મળ્યા છે ગરવા —
એના શબદ ગયા સોંસરવા :
અમને ગુરુ મળ્યા છે ગરવા.

આભ અવાકની વાણ સુણાવી,
ઝમ્યા નેહ મેઘરવા;
ટીપે ટીપે ધાર ઝવી, એને
ઝીલી થયા અમે નરવા. —
અમને ગુરુ મળ્યા છે ગરવા.

અંબરથીય અતિ અતિ ઊંચે
બાંધ્યા ચિત્ત ચંદરવા;
મન માંડવડે મનહર જ્યોતિ
જળી રહી તમ હરવા. —
અમને ગુરુ મળ્યા છે ગરવા.

શબદ સોંસરવા સર્યા મૌનમાં,
મોંઘે મોત એ મરવાં;
સદ્ગુરુ, અમને જુગતિ બતાવો
પંડ પાર પરવરવા. —
અમને ગુરુ મળ્યા છે ગરવા.

(સુરતા, પૃ. ૧૩)